1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. G20 શિખર સંમેલન
Written By ઝુબૈર અહમદ|
Last Updated : બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (17:42 IST)

G20 Summit 2023 - યુક્રેન કટોકટીનો ઓછાયો જી20 શિખર પરિષદ પર પણ પડશે?

દેશની બદલાતી ઓળખનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે. વડા પ્રધાને આ જ વાત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું ત્યારે પણ કહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જી20ની બેઠક મળી રહી છે તેની પહેલાં સમાચાર સંસ્થા પીટીઆઈ સાથે એક લાંબી વાતચીત કરી છે.
 
દુનિયાનાં ટોચનાં અર્થતંત્રો ધરાવતા દેશોના સંગઠન જી20નું શિખર સંમેલન 9-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાનું છે.
 
પીટીઆઈને આપેલી આ મુલાકાતમાં વડા પ્રધાને ભારતમાં જી20 સંમેલનનું આયોજન, તેની પાછળનો વિચાર, આફ્રિકી યુનિયનને જી20 સામેલ કરવાનો પ્રસ્તાવ, વૈશ્વિક સ્તરે સંયુક્ત રાષ્ટ્રસંઘની ભૂમિકા, સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય તરીકે ભારતનો દાવો, બાયોફ્યૂઅલ, જળવાયુ પરિવર્તન માટે લેવામાં આવેલા પગલાં, વિશ્વની સામે રહેલું દેવાનું સંકટ, કેન્દ્રીય બૅન્કોની નીતિઓ, ભારતનું અર્થતંત્ર જર્મની અને જાપાનથી આગળ નીકળ્યું છે તેના વિશે, ઉદ્દામવાદ, અરુણાચલ પ્રદેશ અને કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દા એમ વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી છે.
 
વડા પ્રધાને આ મુલાકાતમાં કહ્યું કે ભારતે જી20નું અધ્યક્ષસ્થાન સંભાળ્યું છે તેનો ઊંડો પ્રભાવ પડ્યો છે.
 
મોદીએ કહ્યું કે, “ભારતે જી20નું અધ્યક્ષપદ સંભાળ્યું તેનાથી ઘણો સકારાત્મક પ્રભાવ પડ્યો છે. તેની કેટલીક બાબતો મારા દિલને બહુ ગમતી બાબતો છે.”
 
ભારતે જી20નું અધ્યક્ષસ્થાન સંભાળ્યું તેના કારણે આ બધા વિચારોનું એક પ્લૅટફૉર્મ બન્યું, જે ભવિષ્યના રોડમૅપ આપનારું પ્લૅટફૉર્મ બની શક્યું છે. તેમ જ વૈશ્વિક સહકાર માટેનો એક મંચ તૈયાર થયો છે.
 
તેમણે કહ્યું કે દુનિયાના ઍજન્ડાને એક સ્વરૂપમાં ઢાળવાની આ બહુ મોટી તક છે. વડા પ્રધાન મોદીએ બદલાતા વૈશ્વિક દૃષ્ટિકોણને માનવીય મૂલ્યો આધારિત દુનિયા તરફ આગળ વધવાની જરૂર છે તે બાબત પર પણ ભાર મૂક્યો.
 
તેમણે કહ્યું, દુનિયામાં પરંપરાગત જીડીપી કેન્દ્રીત દૃષ્ટિકોણ હતો તે હવે વધારે સમાવેશક અને માનવ કેન્દ્રીત દૃષ્ટિકોણ બન્યો છે. આ પ્રકારના પરિવર્તનમાં, "ભારત એક ઉદ્દીપક તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે."
 
ભારતના સરકારના જાણીતા સૂત્ર 'સબકા સાથ, સબકા વિકાસ'નો ઉલ્લેખ કરીને વડા પ્રધાને કહ્યું કે ભારત વૈશ્વિક સ્તરે પણ આ સૂત્રને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, ‘દુનિયાના કલ્યાણ અને વિકાસ માટે આ સૂત્ર માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે.’
 
2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે
 
 
ભારતના યજમાનપદે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં જી20 શિખર પરિષદની 18મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરીએ ઘણા સવાલ ઊભા કર્યા છે.
 
અમેરિકાના પ્રમુખ જો બાઇડન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સહિતના વિશ્વના અગ્રણી નેતાઓ આ પ્રસંગની શોભા વધારશે, પરંતુ આ બે અગ્રણી નેતાઓની ગેરહાજરીનો અર્થ એ થઈ શકે કે મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓને આપવું જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું નથી.
 
ભારતની રાજધાની પ્રતિનિધિમંડળોની યજમાની માટે સજ્જ છે. આ શિખર પરિષદ સૌપ્રથમ વાર ભારતના પ્રમુખપદે યોજાઈ રહી છે.
 
આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રદર્શનો માટે જાણીતા વિશાળ પ્રગતિ મેદાનમાં બનાવવામાં આવેલા અત્યાધુનિક ‘ભારત મંડપમ્’માં આ શિખર પરિષદ યોજાવાની છે. અહીં નેતાઓ સપ્તાહાંતે મળશે અને વિશ્વ સમક્ષના મુદ્દાઓની ચર્ચા કરશે.
 
પશ્ચિમના નેતાઓ, વિદેશી બાબતોના નિષ્ણાતો અને વિવેચકો માને છે કે ગયા વર્ષે ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી શિખર પરિષદની માફક આ વખતે પણ યુક્રેન યુદ્ધ ચર્ચાનું કેન્દ્ર બની રહેશે. બાલી ખાતેની પરિષદમાં રશિયા-યુક્રેન યુદ્ધ મામલે વિકસિત અથવા પશ્ચિમી દેશો અને ગ્લોબલ સાઉથ તરીકે ઓળખાતા વિકાસશીલ દેશો વચ્ચે વ્યાપક મતભેદ જોવા મળ્યા હતા.
 
આ વર્ષે પણ તેવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે, કારણ કે તેના સંકેતો અગાઉથી જ મળી રહ્યા છે.
 
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે એવી ટિપ્પણી કરી હતી કે “અમારી બધી જ વાટાઘાટમાં યુક્રેન હંમેશા એક મહત્ત્વનો મુદ્દો હોય છે અને જી20માં પણ તે મોટો મુદ્દો હશે તેમાં મને કોઈ શંકા નથી.”
 
દિલ્હી શિખર પરિષદમાં પોતાની સહભાગિતાની પુષ્ટિ કરતાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા અઠવાડિયે કહ્યું હતું, “હું જી20 શિખર પરિષદમાં હાજર રહીશ...વિશ્વ યુક્રેનની પડખે છે તે સુનિશ્ચિત કરવાનું અમે ચાલુ રાખીશું.”
 
જુલાઈમાં ગાંધીનગર ખાતે યોજાયેલી G20 દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બૅન્કના ગવર્નરોની બે દિવસની બેઠક રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધી શબ્દો વિશેના મતભેદને મામલે કોઈ સહિયારા નિવેદનના પ્રકાશન વિના પૂર્ણ થઈ હતી.
 
માર્ચમાં યોજાયેલી જી20 દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં પણ રશિયા-યુક્રેન યુદ્ધ છવાયેલું રહ્યું હતું. તેથી કોઈ સહિયારું નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું. ભારતે આ વર્ષના અધ્યક્ષ તરીકે બેઠકની કાર્યવાહીનો સારાંશ બહાર પાડ્યો હતો.
 
જી20 ફોરમ મહત્ત્વના વૈશ્વિક આર્થિક મુદ્દાઓની ચર્ચા કરવા માટે હોવાના નવી દિલ્હીના વલણનો જી20 માટેના ભારતના શેરપા અમિતાભ કાંતે પુનરોચ્ચાર કર્યો હતો.
 
13 જુલાઈએ યોજાયેલી શેરપાઓની કૉન્ફરન્સમાં તેમણે જાહેર કર્યું હતું, “રશિયા-યુક્રેન યુદ્ધનું કારણ આપણે નથી. તે વિકાસશીલ અને ઉભરતા દેશોએ કરેલું કામ નથી. તે અમારા માટે અગ્રતા નથી...બીજા કોઈ માટે કદાચ હશે, પરંતુ યુદ્ધ અમારી અગ્રતા નથી.”
 
બાલી શિખર પરિષદના પડઘા નવી દિલ્હીમાં સંભળાશે?
 
રશિયાએ મોટા પાયે લશ્કરી હુમલો શરૂ કર્યાના થોડા મહિના પહેલાં નવેમ્બર, 2022માં બાલીમાં યોજાયેલી શિખર પરિષદમાં રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.
 
શિખર પરિષદના અંતે નેતાઓએ કરેલી ઘોષણામાં “યુક્રેન પરના રશિયાના આક્રમણની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને યુક્રેનમાંથી સંપૂર્ણપણે તથા બિનશરતી ધોરણે ખસી જવાની હાકલ રશિયાને કરવામાં આવી હતી.”
 
રશિયા-યુક્રેન યુદ્ધ હવે બીજા વર્ષમાં પ્રવેશ્યું છે. તે માત્ર લાંબું જ ચાલ્યું છે એવું નથી પરંતુ એક સંપૂર્ણપણે વિકસિત વૈશ્વિક કટોકટીમાં પરિવર્તિત થઈ ગયું છે. તેની મોટાં અર્થતંત્રો તથા વૈશ્વિક સપ્લાય ચેઇન્સ પર માઠી અસર થઈ છે.
 
યુદ્ધને કારણે વૈશ્વિક ફુગાવો અને બેરોજગારી આકાશને આંબી રહી છે. તેના પરિણામે આફ્રિકા અને નબળા અર્થતંત્ર ધરાવતા ઘણા દેશોમાં ખાદ્યપદાર્થોની તીવ્ર અછત જોવા મળી રહી છે.
 
જી20માં સૌથી શક્તિશાળી સાત અથવા જી7 જૂથ હોવાનું માનવામાં આવે છે. આર્થિક રીતે વિકસિત દેશો તેના સભ્યો છે. તેમાં કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. એ પૈકીના મોટા ભાગના દેશો નાટોના લશ્કરી અલાયન્સના સભ્યો છે, જેઓ રશિયાના સખત વિરોધ માટે જાણીતા છે.
 
વિદેશનીતિના વિશ્લેષકોનું કહેવું છે કે બાલી શિખર પરિષદના પડઘા નવી દિલ્હીમાં પણ સ્પષ્ટપણે સાંભળવા મળશે.
 
વિદેશનીતિના દિલ્હીસ્થિત નિષ્ણાત અને ભારત સરકારની નીતિઓના સમર્થક ડૉ. સુવરોકમલ દત્તાએ કહ્યું હતું, “દિલ્હી શિખર પરિષદમાં યુક્રેનનો મુદ્દો તેની અગ્રતા હશે, એવું અમેરિકા કહી ચૂક્યું છે. નાટોના ઘણા સભ્ય દેશોએ પણ આ વાત કહી છે. તેથી આ મુદ્દે શિખર પરિષદમાં ચર્ચા થશે ત્યારે ભારતનું વલણ સ્પષ્ટ થશે. ભારત આ મુદ્દે યુક્રેનની, રશિયાની, અમેરિકાની તરફેણ પણ નહીં કરે કે વિરોધ પણ નહીં કરે. ભારત આ સમસ્યાના શાંતિપૂર્ણ નિરાકરણનો પુનરોચ્ચાર કરશે.”
 
2009-2011 દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા મીરા શંકર માને છે કે જી20ના અધ્યક્ષ તથા યજમાન તરીકે યુક્રેનનો મુદ્દો ભારત માટે નાજુક અને સંવેદનશીલ છે.
 
“ભારત માટે જી20નું અધ્યક્ષપદ બહુ મહત્ત્વનું છે, કારણ કે મહાસત્તાઓ વચ્ચેનો તણાવ તથા મતભેદ જ્યારે યુદ્ધમાં પરિવર્તિત થયો છે ત્યારે ભારતને આ અધ્યક્ષપદ મળ્યું છે. યુક્રેન મુદ્દે અમેરિકા તથા પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે પ્રૉક્સી વોર ચાલી રહ્યું છે.”
 
ભૂતપૂર્વ ભારતીય રાજદૂત નીલમ દેવ માને છે કે યુક્રેન યુદ્ધના મુદ્દે વિકાસશીલ દેશો અને વિકસિત દેશો વચ્ચેના હાલના વ્યાપક મતભેદ નવી દિલ્હી શિખર પરિષદમાં છવાયેલા રહે તે શક્ય છે, પરંતુ સંઘર્ષનું નિરાકરણ આવે તેવું લાગતું નથી.
 
મીરા શંકરે ચેતવણી આપી હતી કે “જી20ના એજન્ડા પર યુક્રેન યુદ્ધનો મુદ્દો છવાયેલો રહેવો ન જોઈએ. જી20નો એજન્ડા આર્થિક વિકાસનો છે.”
 
આ વાત સાથે સહમત થતાં હૉંગકૉંગસ્થિત વિદેશ નીતિવિચાર મંડળ ‘સોસાયટી ફૉર એડવાન્સ્ડ સ્ટડી ઑફ ઇન્ટરનેશનલ રિલેશન્સના સભ્ય પ્રોફેસર હેઇ સિંગ ત્સોએ કહ્યું હતું, “મને લાગે છે કે હાલ ફોકસ રશિયા-યુક્રેન સંઘર્ષ પર છે, પરંતુ જી20 તો મોટા ભાગે આર્થિક બાબતો માટેની ફોરમ છે.”
 
જી20ની રચના શા માટે કરવામાં આવી હતી?
 
2008માં વિશ્વનાં 20 સૌથી મોટાં અર્થતંત્રો ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યાં હતાં ત્યારે એ દેશોના નેતાઓ સૌપ્રથમ વાર વૉશિંગ્ટનમાં એકઠા થયા હતા. આ નેતાઓને સમજાયું હતું કે મુખ્ય વૈશ્વિક અર્થતંત્રો હોવાને નાતે, વૈશ્વિક આર્થિક રિકવરી માટે તેમનો સામૂહિક સહયોગ જરૂરી છે.
 
1997-99ની નાણાકીય કટોકટીના સામના માટે રચવામાં આવેલા જી20 જૂથને શિખર પરિષદના સ્તરે લઈ જવાનો નિર્ણય તેમણે કર્યો હતો. ત્યારથી જી20 નાણાકીય તેમજ અન્ય મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા માટેના એક મુખ્ય મંચ તરીકે વિકસિત થયું છે.
 
ગ્રૂપ ઑફ ટ્વેન્ટી અથવા જી20માં 19 વિકસિત અથવા વિકાસશીલ દેશો તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. તેની વાર્ષિક શિખર પરિષદમાં સૌથી શક્તિશાળી દેશોના નેતાઓ વિશ્વ સમક્ષના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવા એકઠા થાય છે. આ દેશોના અર્થતંત્રોનો વિશ્વના સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સમાવેશ થાય છે.
 
તેના સભ્ય દેશો પૈકીના એકને દર વર્ષે તેનું પ્રમુખપદ સોંપવામાં આવે છે. ગયા વર્ષે તેની લગામ ઈન્ડોનેશિયાને આપવામાં આવી હતી. આ વર્ષે ભારત તેનું અધ્યક્ષ છે. હવે પછી બ્રાઝિલનો અને ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાનો વારો આવશે.
 
જી20નું મુખ્ય કામ વૈશ્વિક આર્થિક કટોકટીનો સામનો કરવાનું છે, પરંતુ તેણે અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
 
અગાઉની શિખર પરિષદોમાં કોવિડ-19 મહામારી, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને સીરિયાના ગૃહયુદ્ધ જેવા મુદ્દાઓ પણ ચર્ચવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ખાસ સફળતા મળી ન હતી.
 
ભારતે ગયા વર્ષે પહેલી ડિસેમ્બરથી જી20નું અધ્યક્ષપદ સંભાળ્યું ત્યારથી તેની અગ્રતા વૈશ્વિક અર્થવ્યવસ્થામાંની નરમાઈ, અટકેલી વૃદ્ધિ, વધતી મોંઘવારી, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, ઊર્જા, આબોહવા પરિવર્તન અને ખાદ્ય સલામતી જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની રહી છે.
 
જી20માંનું પશ્ચિમી દેશોનું જૂથ રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવવા ઉત્સુક હોવા છતાં ભારત આર્થિક મુદ્દાઓ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓની શિખર પરિષદમાં અગ્રસ્થાને રાખવામાં સફળ રહ્યું છે.
 
વિદેશનીતિ વિશ્લેષક ડૉ. સુવરોકોમલ દત્તાએ કહ્યું હતું, “મહત્ત્વની વાત એ છે કે યુક્રેન જી20નો એકમાત્ર મુદ્દો નથી. તેની સાથે ખાદ્ય સુરક્ષા, ઑઇલ કટોકટી, બેરોજગારી, પર્યાવરણીય અધોગતિ અને ગરીબી જેવી ઘણી જટિલ સમસ્યાઓ પણ છે. આ તમામ મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.”
 
ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બનશે?
 
જી20ના ભારત, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ઈન્ડોનેશિયા જેવા દેશો ગ્લોબલ સાઉથનો હિસ્સો છે. જી20માં તેઓ પણ મજબૂત અવાજ ધરાવે છે. આ બધાં વિકાસશીલ અર્થતંત્રો છે અને ભારતની મહત્ત્વાકાંક્ષા આ અર્થતંત્રોનો અવાજ બનવાની છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની શરૂઆતમાં એક ભાષણમાં કહ્યું હતું, “જી20ના અધ્યક્ષ તરીકે ભારતનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે ત્યારે અમારું લક્ષ્ય ગ્લોબલ સાઉથને અવાજ આપવાનું હોય તે સ્વાભાવિક છે. ગ્લોબલ સાઉથના લોકો પણ વિકાસનો લાભ લઈ શકે. તેમાંથી આપણે બાકાત રહેવા ન જોઈએ.”
 
“આપણે અસમાનતાને દૂર કરવા, તકો વિકસાવવા, વિકાસને ટેકો આપવા તથા પ્રગતિ તેમજ સમૃદ્ધિ માટે વૈશ્વિક રાજકીય અને નાણાકીય વ્યવસ્થાને નવો આકાર આપવા સાથે મળીને કામ કરવું જોઈએ.”
 
વિકાસશીલ દેશોના ઉદ્દેશની બાબતમાં ભારત હંમેશાં અગ્રેસર રહ્યું છે અને આફ્રિકન યુનિયનના જી20 બ્લૉકમાં સમાવેશનો મુદ્દો દિલ્હી શિખર પરિષદમાં ઉઠાવવાની નરેન્દ્ર મોદીની ખાતરીથી સ્પષ્ટ છે.
 
ડૉ. સુવરોકમલ દત્તાના જણાવ્યા અનુસાર, આ પ્રયાસમાં ગ્લોબલ સાઉથના દેશો ભારતની સાથે છે. “ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો પ્રયાસ શરૂઆતથી જ કરતું રહ્યું છે. ગ્લોબલ સાઉથના તમામ દેશો, પછી ભલે તે આફ્રિકાના કે એશિયા પેસિફિકના હોય, હિંદ મહાસાગરના દેશો હોય, કેરેબિયન ટાપુઓના દેશો હોય કે દક્ષિણ અમેરિકાના દેશો હોય, તેઓ બધા ભારતના આ વલણની પ્રશંસા કરે છે અને તેને સ્વીકારે છે.”
 
જોકે, જી20માં ગ્લોબલ સાઉથનો અવાજ હજુ પણ નબળો હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. મીરા શંકરના મતાનુસાર, ભારત અને ચીન બન્નેએ વિકાસશીલ દેશોનો અવાજ બનવું જોઈએ.
 
“ગ્લોબલ સાઉથનો અવાજ હજુ પણ નબળો છે. ભારત અને ચીન બન્ને પોતાનો અવાજ ઉઠાવશે તો સારું રહેશે. તે વધારે અસરકારક રહેશે.”
 
હૉંગકૉંગસ્થિત પ્રૉફેસર હેઇ સિંગ ત્સો એવી દલીલ કરે છે કે તે ગ્લોબલ સાઉથના દેશોનો સામૂહિક પ્રયાસ હોવો જોઈએ. તેમનું કહેવું છે કે ભારત અને ચીન ઉપરાંત દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, તુર્કી અને આર્જેન્ટિના જેવા સભ્ય દેશોએ પણ ગ્લોબલ સાઉથનો અવાજ બનવાની જરૂર છે, જેથી ગ્લોબલ સાઉથની સમસ્યાઓને શિખર પરિષદમાં સારી રીતે સાંભળવામાં આવે.
 
દિલ્હી શિખર પરિષદની સફળતાનો માપદંડ શું હશે?
 
વિદેશનીતિના કેટલાક નિષ્ણાતો માને છે કે એજન્ડામાં યુક્રેનનું પ્રભુત્વ ભલે હોય, પરંતુ યજમાન ભારત શિખર પરિષદમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે.
 
પ્રોફેસર હેઈ સિંગ ત્સો દલીલ કરે છે કે ભારતે યજમાન તરીકે અને G20ના અધ્યક્ષ તરીકે યુદ્ધ રોકવાની દરખાસ્ત મૂકવી જોઈએ.
 
તેમણે કહ્યું હતું, “યુક્રેનમાં યુદ્ધ એક સમસ્યા, કટોકટી છે, એવું હું માનું છું. પરંતુ તે એક તક પણ છે. દાખલા તરીકે, રશિયા-યુક્રેન સંઘર્ષમાં મધ્યસ્થીના પ્રયાસ ગત વર્ષમાં વિવિધ દેશોએ કર્યા હતા. ચીને લેખિત દરખાસ્ત મૂકી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ દાવો કર્યો છે કે તેઓ મધ્યસ્થી કરવા ઇચ્છે છે. દક્ષિણ આફ્રિકાના નેતાઓની પણ મધ્યસ્થી માટે ગયા છે. તો પછી ભારતે એવું શા માટે ન કરવું જોઈએ? મને લાગે છે કે ભારતે મધ્યસ્થી અને શાંતિ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું જોઈએ.”
 
ભારતે યુદ્ધવિરામના પ્રસ્તાવને આગળ ધપાવવો જોઈએ, એવી સલાહ આપતાં તેમણે ઉમેર્યું હતું, “યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામ સૌથી મહત્ત્વની બાબત છે, એવું હું માનું છું. યુદ્ધવિરામ પ્રથમ બાબત છે. યુદ્ધ માટે કોણ જવાબદાર છે એ પછી નક્કી કરી શકાશે.”
 
પ્રોફેસર ત્સોના મતાનુસાર, ભારત એવું કરી શકશે તો નરેન્દ્ર મોદીની યશકલગીમાં એક પીછું ઉમેરાશે. “તે શિખર પરિષદની સફળતાનો માપદંડ હશે.”
 
જોકે, મુંબઈસ્થિત ફોરેન અફેર્સ થિંક ટેન્ક ‘ગેટવે હાઉસ’ના સંચાલક અને ભૂતપૂર્વ રાજદ્વારી અધિકારી નીલમ દેવનું કહેવું છે કે “યુક્રેનનો મુદ્દો જરૂર ઉઠાવી શકાય, પરંતુ તેનું સમાધાન શિખર પરિષદમાં શોધી શકાશે નહીં. આપણે ઇચ્છીએ છીએ કે યુક્રેનમાં શાંતિ ફરીથી સ્થપાય. એ દિશામાં કેવી રીતે આગળ વધવું તેના પર ગ્લોબલ સાઉથનો ખાસ કોઈ પ્રભાવ નથી. તે જી20ના કાર્યક્ષેત્ર બહારની બાબત છે. આ મુદ્દે પશ્ચિમી દેશોનું વલણ ગ્લોબલ સાઉથના વલણથી અલગ હોઈ શકે છે.”
 
વિદેશનીતિના નિષ્ણાતો અને ભૂતપૂર્વ રાજદ્વારી અધિકારીઓના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદીના નેતૃત્વ માટે આ અગ્નિપરીક્ષા છે. ભારતના અધ્યક્ષપદની પરખ, તે આંતરરાષ્ટ્રીય સમુદાયની વિવિધ અગ્રતા વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી શકે છે તેના આધારે થશે.