રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2017 (14:07 IST)

#AntiBlackMoneyDay - જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધીનો કાળો દિવસ મનાવ્યો

જામનગરમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો છે. જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે તા. ૮ નવેમ્બરના નોટબંધીના નિર્ણયનો વિરોધ પ્રદર્શિત કરવા શહેરના લાલબંગલા સર્કલમાં આજે સવારે ‘કાળો દિવસ’ તરીકેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે ભાજપ સરકાર દ્વારા તા. ૮ નવેમ્બરના લાદવામાં આવેલી નોટબંધીના કારણે દેશભરમાં સર્જાયેલી અનેકવિધ સમસ્યાઓની અસર એક વર્ષ પછી પણ વર્તાઈ રહી હોવાના મુદ્દે નોટબંધીના નિર્ણયનો વિરોધ વ્યક્ત કરવા આ દિવસને ‘કાળો દિવસ’ તરીકે જાહેર કરી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા એક બેંકના એ.ટી.એમ. પાસે પહોંચી અને લાંબી કતાર લગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી પર સુત્રોચાર કર્યા હતા. વિપક્ષે દાવો કર્યો છે કે નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા અને નોકરીને ભારે નુકસાન થયું છે. ગયા વર્ષે આઠમી નવેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૦૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. વિપક્ષે એ વખતે જ નોટબંધીના નિર્ણયના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થશે તેવી વાત કરી હતી. બેરોજગારી વધી જવા અને જીડીપી ઘટી જવાની આશંકા એ વખતે જ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, કોંગ્રેસના કોર્પોરેટરો, અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.