રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 ઑક્ટોબર 2019 (11:13 IST)

રાજ્યમાં CNG વાહનચાલકોને હવે CNG માટે લાંબી લાઇનમાં ઊભા નહિ રહેવું પડે

ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા CNGનો વ્યાપક ઉપયોગ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સી.એન.જી.ના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે.
 
વિજય રૂપાણીએ CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનીય ક્ષેત્રોમાં વધુ ર૧૪ CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતે CNGના ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં ૧૮૦૦ જેટલા CNG સ્ટેશનમાંથી ૩૧ ટકા એકલા ગુજરાતમાં એટલે કે પપ૮ CNG સ્ટેશન સ્થપાયા છે. નવા CNG સ્ટેશન્સ શરૂ થવાથી ઊપભોકતા- CNG વપરાશકારો, ગુજરાત ગેસ લિમીટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સીચ્યુએશનનું નિર્માણ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, આ નવા CNG સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે ૧પ હજાર લોકોને રોજગારી પણ મળતી થશે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ‘‘સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાત’’ની સંકલ્પના સાથે જૂન-ર૦૧૯માં CNG સહભાગી યોજનાની શરૂઆત કરીને ૩૦૦ જેટલા નવા CNG સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. ‘‘માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે ર૧૪ સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે તે પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી ઘટના છે’’.
 
ર૦ર૦ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧ હજાર જેટલા CNG ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવાના રાજ્ય સરકારના લક્ષ્યાંકની વિગતો આપતાં ઉમેર્યુ કે, પર્યાવરણની ચિંતા કરીને પ્રદૂષણ રહિત વિકાસની પ્રતિબધ્ધતા પાર પાડવી છે.તેમણે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના વપરાશને વેગ આપવા ઘરવપરાશની સૌર વીજ ઉત્પાદન માટે સોલાર રૂફટોપ, MSME એકમોને સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહન જેવા અભિનવ આયામોથી ગ્લોબલ વોર્મિગ સામેના પડકારોને પહોચી વળવા ગુજરાતની સજ્જતાની પણ ભૂમિકા આપી હતી.
 
આ નવા પંપ સંચાલકોને CNG પંપ ઝડપથી કાર્યરત કરીને ગુજરાતના CNG વાહનચાલકોને સરળતાએ અને ઝડપી CNG ઇંધણ મળી રહે તે માટેનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યુ હતું. જીએસપીસીના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થ વ્યવસ્થાના નિર્માણમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં સૌથી વધુ ગેસ કનેકશન, ગેસ વિતરણ વ્યવસ્થા ઉભી કરાઇ છે અત્યાર સુધીમાં દર વર્ષે ૬૦ જેટલા સીએનજી સ્ટેશન સ્થપાતા હતા પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીર્ઘદ્રષ્ટી અને પર્યાવરણની જાળવણી સાથે વિકાસની પરિભાષાને મૂર્તિમંત કરવા મુખ્યમંત્રીએ ૩૦૦ થી વધુ સીએનજી પંપો શરૂ કરવાની ચેલેન્જ આપી હતી.
 
ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપનીએ તેને ઉપાડી લીધી અને આજે ૨૦૦થી વધુ સીએનજી પંપોની ફાળવણીના મંજૂરી પત્રો એનાયત થઇ રહ્યા છે તે બદલ તેમને અભિનંદન આપ્યા હતા. આ સીએનજી પંપોના નિર્માણથી પર્યાવરણના જતનની સાથે સાથે નાગરિકોને સસ્તો અને ઝડપી ગેસ પુરવઠો વાહનો માટે મળતો થશે અને વર્ચ્યુઅલ સાયકલ બનતાં ઘર આંગણે રોજગારી મળતી થશે તથા ગેસના ડીલરો, ગેસ કંપની અને ગ્રાહકોને ફાયદો થશે. 
 
જીએસપીસીના મેનેજીંગ ડીરેકટર સંજીવકુમારે જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મક્કમ નિર્ધાર કરીને જે આયોજન કર્યું છે તેના પરિણામે આજે રાજ્યમાં ગેસ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બની છે અને આ ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી ૨૫ જિલ્લાઓમાં ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપની દ્વારા સીએનજી/પીએનજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.