રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 4 મે 2019 (12:12 IST)

ગુજરાતમાં અપુરતા વરસાદને કારણે ઉનાળુ વાવેતર પર અસર થઈ

રાજયમાં ચાલુ વર્ષે અપુરતો વરસાદ થતાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીની તંગી સર્જાતા ઉનાળુ વાવેતરને માઠી અસર પહોંચી છે. કૃષિ વિભાગના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ રાજયમાં ડાંગર, બાજરી, મગફળી અને ખાસ કરીને શાકભાજીનાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા સાથે કુલ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે પાણીની કટોકટી જોતા સરકાર દ્વારા નર્મદા યોજનાની કેનાલ તેમજ અન્ય જળાશયોમાં રહેલા પાણીના જથ્થાને પીવા માટે અનામત જાહેર કરી ૧૫ માર્ચથી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરાતાં ઉનાળુ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો થયો છે.

રાજય સરકારના કૃષિ વિભાગનાં આંકડા મુજબ વર્ષ 2017માં 7,59,212 હેકટર વિસ્તારમાં જુદા-જુદા પાકો લેવાયા હતા. જયારે ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર વિસ્તાર 77 હજાર હેકટર ઘટી 6,82,290 હેકટર થયું છે.કૃષિ વિભાગના આંકડા અનુસાર રાજ્યના સિંચાઈથી પ્રભાવિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વાવેતરનું પ્રમાણ ઘટયું છે. ગુજરાતમાં ડાંગર, મકાઈ, અડદ સહિતના વાવેતરમાં ઘટાડો થયો છે. પાણીની અછતને કારણે ખાસ કરીને બાજરી, મગફળી અને શાકભાજીનો વાવેતર વિસ્તાર ઘટયો હોવાથી ઉનાળાના અંતિમ ભાગમાં લોકોને શાકભાજીના ભાવ વધુ ચુકવવા પડશે. કઠોળ અને તેલિબિયાં પાકના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે.