ભરૂચમાં સોનાની ખરીદીનો ઇતિહાસ, 5 કલાકમાં 10 કરોડનું સોનું વેચાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક કરતાં રૂ. 500 અને રૂ.1000ની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાતના એક કલાકમાં જ ભરૂચ શહેરમાં સોનું ફરી વખત સૌનું પ્રિય ચલણ બની ગયું હતું. પોતાની પાસે રહેલા કાળાં નાણાં દ્વારા સોનું ખરીદવા હોડ લાગી હતી. શહેરમાં મોટા 3 જવેલર્સને ત્યાં 5 કલાકમાં 33 કિલોથી વધુ એટલે કે રૂ. 10 કરોડનાં સોનાનું વેચાણ થઇ ગયુ હતું. ભરૂચ શહેરમાં ઐતિહાસિક નિર્ણયની સાંજે જે જવેલર્સો પાસે ચોપડે રજિસ્ટર્ડ સોનું છે તેમને ‘ચાંદી’ થઇ ગઇ હતી.કાળા નાણાં સ્વરૂપે રૂ. 500 અને 1000 ની નોટો ધરાવતા કેટલાય લોકોએ તો રૂ. 50 લાખની કિંમતનાં સોનાની ખરીદી કરી લીધી હતી. જવેલર્સોએ તેઓને આની પાછળ ઇન્કમટેકસ ભરવો પડશે તેમ સમજાવવા છતા લોકોએ રૂ. 500 અને 1000 ની નોટોથી છૂટકારો મેળવવા આ પગલુભર્યુ હતું. શહેરનાં 3 જવેલર્સનાં શો-રૂમ રાતે 1 થી 1.30 કલાક સુધી ધમધમ્યાં હતા.વડાપ્રધાનની જાહેરાત બાદ 5 કલાકમાં જ શહેરમાં રૂ. 10 કરોડની કિંમતનું લોકોએ સોનુ ખરીદી લઇ ટંકશાળ પાડી દીધી હતી.