શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (17:52 IST)

પ્લાસ્ટિકના કચરામાંથી બન્યુ પેટ્રોલ, કિમંત માત્ર 70 રૂ

બિહાર હવે દેશમાં એક એવું રાજ્ય બની ગયું છે જ્યાં તમે એક જગ્યાએ લગાવેલા મશીનમાં એક બાજુથી પ્લાસ્ટિક નાખશો તો બીજી બાજુથી તે મશીનમાંથી પેટ્રોલ નીકળશે. મુઝફ્ફરપુર જિલ્લાના કુધનીના ખરોના વિસ્તારમાં આવું મશીન લગાવવામાં આવ્યું છે. બિહારના મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી રામસુરત રાયે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટેના આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તેના દ્વારા પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ પેદાશો બનાવવામાં આવી રહી છે.
 
મુઝ્ઝફરપુરની ગ્રેવિટી એગ્રો એન્ડ એનર્જી કંપનીએ આ મશીન લગાવ્યું છે. આ મશીનની મદદથી અહીં રોજ 200 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી 150 લિટર ડીઝલ અથવા 130 લિટર પેટ્રોલનું ઉત્પાદન કરવામાં આવશે તેવો કંપની દ્વારા દાવો કરાયો છે. પહેલા કચરાને બ્યુટેનમાં રૂપાંતરિત કરાશે. ત્યાર બાદ બ્યુટેન આઇસો-ઓક્ટેનમાં રૂપાંતરિત થશે. ત્યારબાદ મશીનમાં જ અલગ અલગ દબાણ અને તાપમાન દ્વારા આઇસો ઓક્ટેનને ડીઝલ અથવા પેટ્રોલમાં રૂપાંતરિત કરવામાં આવશે. ડીઝલને 400 ડિગ્રી સેલ્સિયસ અને પેટ્રોલને 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉત્પાદન કરી શકાશે.
 
બિહારના મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી રામસુરત રાયે કુધની જિલ્લાના ખરોના ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી બળતણ એટલે કે પેટ્રોલ-ડીઝલનું ઉત્પાદન કરતા યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. દેશનો આ પહેલો એવો પ્લાન્ટ છે જ્યાં પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ પેદાશો બનાવવામાં આવી રહી છે.