રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (12:58 IST)

મધ્ય પ્રદેશમાં ઓછા વરસાદને લીધે ગુજરાતનું 'વોટર મેનેજમેન્ટ' ખોરવાયું

ગુજરાતમાં આ વખતે સરેરાશ ૩૫.૭૭ ઈંચ વરસાદ પડયો હોવા છતાં ઉનાળા દરમિયાન પાણીની ભારે તંગીનો સામનો કરવો પડી શકે છે. જળના સ્ત્રોત તરીકે ગુજરાતનો મુખ્ય આધાર સરદાર સરોવર નર્મદા ડેમ પર હોય છે. મધ્ય પ્રદેશમાં આવેલા નર્મદા નદીના મહત્તમ વિસ્તારમાં ગત ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડયો હતો અને સરદાર સરોવર ડેમને સામાન્યની સરખામણીએ આ વખતે ૪૫% પાણી મળી શક્યું હતું. રાજ્ય સરકારે તાજેતરમાં જ સિંચાઇનું પાણી પૂરું પાડવાની અસમર્થતા દર્શાવી હતી અને તેના લીધે ખેડૂતોને ઉનાળુ પાકની વાવણી ટાળવા પણ નિર્દેશ કર્યો હતો.

આ ઉપરાંત ગુજરાત સરકારે ઉદ્યોગોને મળતા પાણીના જથ્થા પર પણ કાપ મૂકવાના પણ સંકેત આપ્યા છે. જળ સંચાલનમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીના સલાહકાર બી.એન. નવાવાલાએ જણાવ્યું હતું કે, 'નર્મદાના સરદાર સરોવર પ્રોજેક્ટ પર જ હાલમાં જે સઘળો મદાર રાખીએ છીએ તેમાં પુનઃવિચાર કરવો પડશે. નર્મદાથી મળતો જળસ્ત્રોત મુખ્ય નહીં પણ વૈકલ્પિક સ્ત્રોત તરીકે જોવામાં આવવો જોઇએ. ' સરદાર સરોવર ડેમને ભાજપના નેતાઓ દ્વારા જ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને ૧૩૧ શહેર-૯૬૩૩ ગામડામાં તેનું પીવાનું પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્યાંક છે. આ ડેમથી ગુજરાતના ૧૫ જિલ્લાના ૭૩ તાલુકાના ૩૧૧૨ ગામડાની ૧૮.૫૪ હેક્ટર જમીનમાં સિંચાઇનું પાણી પહોંચાડશે તેવો સરકારનો અંદાજ છે. પરંતુ સરકારના અંદાજ-લક્ષ્યાંક અને વાસ્તવિક્તામાં મોટો તફાવત છે. નર્મદા ટ્રિબ્યુનલ દ્વારા ૯ મિલિય એનકર ફિટ પાણી પૂરું પાડવાની મંજૂરી આપવામાં આવી છે. જેની સામે આ વખતે મધ્ય પ્રદેશમાં નબળા ચોમાસાને લીધે ગુજરાતને ૪૫ ટકા ઓછું માત્ર ૪.૭૧ મિલિયન એકર ફિટ પાણી મળશે. એક મ્યુનિસિપલ અધિકારીના મતે સરકારે મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ જેવા સ્થાનિક જળસ્ત્રોતની કરેલી અવગણનાની કિંમત આ વખતે ઉનાળા દરમિયાન ચૂકવવી પડી શકે છે. હાલ નર્મદા નદી પર જ સઘળો મદાર રાખવાથી આ વખતે ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે.