અમદાવાદની રજવાડુમાં GST ટીમના દરોડા, 7 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા
અમદાવાદમાં આવેલી પ્રસિદ્ધ 'રજવાડું' હોટેલમાં સ્ટેટ GST ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અધિકારીઓને ગુરુવારે સવારથી ચાલી રહેલી કાર્યવાહીમાં 7 કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કરોડોના બિનહિસાબી વ્યવહારોને પગલે જ સ્ટેટ GST દ્વારા તાત્કાલિક 16.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજ્યની ઘણી થીમ બેઝ્ડ રેસ્ટોરાં દ્વારા ગ્રાહકો પાસેથી કરોડોનો જીએસટી વસૂલીને સરકારની તિજોરીમાં જમા કરાવતો ન હોવાની વ્યાપક ફરિયાદોને પગલે સ્ટેટ GST હરકતમાં આવ્યું છે.
જેના ભાગરૂપે અમદાવાદની જાણીતી 'રજવાડું' રેસ્ટોરાં ખાતે હિસાબી તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે, તપાસ દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. જોકે, અમદાવાદના એક માત્ર રેસ્ટોરાંમાં જ તપાસ હાથ ધરતાં કરોડોના હિસાબો મળી આવતાં આગામી તબક્કા દરમિયાન સંખ્યાબંધ હોટેલો સામે કાર્યવાહીની શક્યતાઓ છે.