બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 જૂન 2020 (15:36 IST)

કોરોના વૅક્સિન : ‘ચીન નથી ઇચ્છતુ કે કોરોનાની રસી પહેલાં અમેરિકા કે ઇંગ્લૅન્ડમાં બને’

કોરોના વાઇરસની મહામારીના આ સમયમાં અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ એકવાર ફરીથી વધી ગયો છે. એક અમેરિકન સેનેટરે ચીન પર વૅક્સિનના કામમાં અડચણો ઊભી કરવાનો આરોપ મૂક્યો છે.
 
સેનેટર રિક સ્કૉટે કહ્યું છે કે ચીન પશ્વિમી દેશોમાં વૅક્સિન તૈયાર કરવાના કામને પ્રભાવિત કરી રહ્યું છે.
 
તેમણે કહ્યું કે આ વાતના પુરાવા તેમને ગુપ્ત સમુદાયો પાસેથી મળ્યા છે. જોકે તેમણે તેની સાથે જોડાયેલી જાણકારી આપી નથી.
 
ચીને આ બધાની વચ્ચે વાઇરસની સામે પોતે કરેલી કાર્યવાહીનો બચાવ કરી એક દસ્તાવેજ જાહેર કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને કોરોના વાઇરસ અંગે અમેરિકાને ગત ચાર જાન્યુઆરીએ જાણ કરી હતી.
 
ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાઇરસ હવે આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના લગભગ 70 લાખ કેસ છે. જ્યારે મૃતકોની સંખ્યા ચાર લાખથી વધારે છે.
 
અમેરિકાના સંસદસભ્યએ શું કહ્યું
 
રિપબ્લિકન પાર્ટીના ફ્લોરિડાના સાંસદ રિક સશસ્ત્રદળ, હૉમલૅન્ડ સુરક્ષાસમિતિ અને બીજી અનેક સમિતિઓમાં સભ્ય છે. તેમણે પોતાના આરોપોને લઈને બીબીસીના ઍન્ડ્રૂ માર શૉ સાથે વાત કરી. તેમણે કહ્યું, "આપણે જેટલી બને એટલી જલદી વૅક્સિન શોધવાની જરૂર છે."
 
તેમણે કહ્યું, "એ વાત દુર્ભાગ્યપૂર્ણ છે કે અમને કેટલાક પુરાવાઓ મળ્યા છે, જેમાં એ વાતનો ખ્યાલ આવે છે કે ચીન વૅક્સિન બનાવવાના કામને નુકસાન પહોંચાડવા ઇચ્છે છે અથવા વૅક્સિન બનાવવાના અમારા પ્રયાસોને ધીમા કરવા માગે છે."
 
સ્કૉટે બે વખત આ વાત ભારપૂર્વક કહી, "ચીન નથી ઇચ્છતું કે કોરોના વાઇરસની રસી અમે બનાવીએ અથવા ઇંગ્લૅન્ડ, યુરોપમાં પહેલાં બને. તેમણે અમેરિકા અને દુનિયાના બીજા દેશનાં લોકતંત્ર માટે વિરોધી બનવાનું કામ કર્યું છે."
 
સ્કૉટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક છે. જ્યારે તેમને તેમણે કરેલા આરોપો પાછળના પુરાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું, "પુરાવા ગુપ્ત સમુદાયો અને સશસ્ત્રદળો તરફથી મળ્યા હતા."
 
તેમણે કહ્યું કે તેઓ આ વાત પર ચર્ચા નહીં કરી શકે. તેમણે કહ્યું, "ઇંગ્લૅન્ડ અને અમેરિકા સૌથી પહેલાં વૅક્સિન બનાવવાનાં છે. અમે આને શૅર કરવા જઈ રહ્યા છીએ. ચીન આને શૅર કરવા જઈ રહ્યું નથી."
 
શું છે પૃષ્ઠભૂમિ?
 
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટી તંત્ર છેલ્લા ઘણા સમયથી ચીનની ટીકા કરતું રહ્યું છે.
 
કોરોના વાઇરસના સંક્રમણને લઈને લેવાયેલાં ચીનનાં પગલાંની ટ્રમ્પ અનેક વખત ટીકા કરી ચૂક્યા છે. કેટલીય વારે ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને ચીનનો વાઇરસ કહ્યો છે.
 
પોતાના એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તેમની પાસે પુરાવા છે કે કોરોના વાઇરસ ચીનની લૅબમાં તૈયાર થયો છે.
 
તેમણે અનેક વખત આ દાવો કર્યો છે કે કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરની એક લૅબમાં તૈયાર થયો. ચીનના વુહાન શહેરમાં જ કોરોના વાઇરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો.
 
જ્યારે બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ પણ કહ્યું છે કે આ વાત સાબિત કરવા માટે અમેરિકા પાસે યોગ્ય પુરાવાઓ છે. જોકે ચીને અમેરિકાના દરેક દાવાને નકારી કાઢ્યા છે.
 
ફાઇવ આઇઝ ગુપ્તચર અલાયન્સે પણ કહ્યું હતું કે આ વાતના કોઈ પુરાવા નથી. આ ગુપ્તચર અલાયન્સમાં અમેરિકા અને બ્રિટન પણ સામેલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ આવું જ કહી રહ્યું છે. પરંતુ વાત માત્ર વાઇરસ સુધી જ સીમિત નથી. અમેરિકા અને ચીનની વચ્ચે વિવાદનું એક કારણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ છે.
 
ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોના વાઇરસના ફેલાવાને શરૂઆતમાં રોકવામાં નિષ્ફળ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ આરોપ મૂક્યો હતો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચીનની કઠપૂતળી છે.
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે પોતાનું જોડાણ તોડતી વખતે તેમણે કહ્યું હતું, "અમે WHOમાં મોટા પ્રમાણમાં સુધારા કરવાની વિનંતી કરી હતી પરંતુ તે આવું કરવામાં અસફળ રહ્યું. આજથી અમે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથેના પોતાના જોડાણને તોડીએ છીએ. અમેરિકા આ ફંડને વૈશ્વિક પબ્લિક હેલ્થ પર લગાવશે. WHO સંપૂર્ણ પણે ચીનના નિયંત્રણમાં છે જ્યારે અમેરિકાની સરખામણીએ ચીન ખૂબ જ મામૂલી ફંડ આપે છે."
 
આ પછી ચાર જૂને અમેરિકાના પરિવહનવિભાગ તરફથી કહેવામાં આવ્યું કે અમેરિકા ચીન જતી આવતી તમામ ફ્લાઇટોને 16 જૂનથી રોકી દેશે.
 
તેમણે કહ્યું કે આ પગલું ચીન દ્વારા અમેરિકાની ફ્લાઇટને ચીનમાં પ્રવેશવાની પરવાનગી ન આપતાં લેવામાં આવ્યું છે.
 
આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું વેપારયુદ્ધ પણ આની પૃષ્ઠભૂમિમાં છે.
 
પરંતુ ચીન શું કહે છે?
 
જોકે હાલ સુધી ખાસ કરીને સ્કૉટના આરોપોને લઈને ચીન તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ચીને એક નવો દસ્તાવેજ જાહેર કરીને પોતાની કાર્યવાહીને સ્પષ્ટ કરવાના પ્રયત્નો જરૂર કર્યા છે.
 
ચીનનો દાવો છે કે તેણે ચાર જાન્યુઆરીએ અમેરિકાને કોરોના વાઇરસના સંક્રમણ અંગે જાણકારી આપી હતી. આ એ સમય હતો જ્યારે દુનિયામાં કોરોના વાઇરસ આ રીતે ફેલાયો ન હતો. એટલે શરૂઆતનો સમય હતો.
 
આની સાથે ચીને એક ટેલિફોનિક બ્રીફિંગને પણ આમાં સામેલ કર્યું છે. આ ટેલિફોનિક બ્રીફીંગમાં 'સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન'ના પ્રમુખ અને તેમના અમેરિકી સમકક્ષ અધિકારી સાથે થયેલી વાતચીત છે.
 
ચીનનું કહેવું છે કે આ દસ્તાવેજને તૈયાર કરવામાં પારદર્શિતા રાખવામાં આવી છે અને જવાબદારીથી તૈયાર કરવામાં આવ્યો છે.
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનના પ્રયાસોની સરાહના કરી છે અને કહ્યું છે કે ચીને વાઇરસના પ્રસારને નિયંત્રણમાં રાખવા અને ધીમો કરવામાં મદદ કરી છે.
 
આ ઉપરાંત ચીનનો વિદેશ મંત્રાલય પણ એવો દાવો કરે છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર અમેરિકામાં થયેલા મહામારીના સંકટમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા આરોપ લગાવે છે.
 
એ બહુરૂપી શિક્ષિકા જેમણે એક સાથે 25 સ્કૂલોમાં નોકરી કરી કરોડનો પગાર લીધો
પરંતુ વૅક્સિનનું શું?
 
દુનિયામાં અનેક સમૂહો વૅક્સિન શોધવાના કામમાં લાગેલા છે અને કેટલીક ક્લિનિકલ ટ્રાયલ પણ થઈ રહી છે.
 
પહેલા માનવપરીક્ષણના ડેટા સકારાત્મક જોવા મળ્યા, જેમાં દરદીઓના શરીરમાં એવા ઍન્ટિબોડી બન્યા જે વાઇરસને બેઅસર બનાવી દે છે.
 
જોકે હાલ સુધી કોઈ એ જાણતું નથી કે તે કેટલું પ્રભાવશાહી હશે.
 
બની શકે છે કે વૅક્સિન તૈયાર કરવામાં વર્ષોનો સમય લાગી જાય જ્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે 2021 સુધી વૅક્સિન બનીને તૈયાર થઈ જાય. પરંતુ ગૅરન્ટી કોઈ જ વાતની નથી.