ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (11:42 IST)

ગુજરાતના એ ખેડૂતો જેમણે પાણી ન હતું તો સરોવર બાંધી દીધું

જયનારાયણ વ્યાસ
બીબીસી ગુજરાતી માટે
 
ગુજરાતમાં હાલ ચોમાસું મોડું પડ્યું છે અને ગત ઉનાળે રાજ્યના અનેક વિસ્તારોએ પાણીની તંગી અનુભવી હતી.
હાલ પાણીની તંગી, પાણીનો બગાડ, પાણીજન્ય રોગો અને ગુણવત્તા વગરનું પાણી પીવાને કારણે થતી તકલીફોના સમાચાર રોજેરોજ અખબારોમાં આવતા રહે છે.
તેવામાં લોકોની વેદના અને હુંકારા જ સંભળાય ત્યારે ક્યારેક ક્યારેક થોડીક નિરાશા આવી જાય છે.
આપણી માનસિકતા પણ એવી થઈ ગઈ છે કે બધું જ સરકાર કરે અને અમારું કામ માત્ર ભોગવટો કરવાનું છે.
આ પરિસ્થિતિમાં થોડી નોખી ભાત પાડતા અને પ્રેરણાદાયક એક પ્રસંગ અંગે જાણવા મળ્યું.
કહેવત છે કે 'પગમાં કાંટો વાગે તો ધરતીને ચામડે ન મઢાય પણ જાતે જોડો સિવડાવીને પહેરી લેવો તે જ તેનો સાચો ઉપાય.'
વાત કંઈક આવી છે - ભાવનગર જિલ્લામાં 50 દિવસમાં ખેડૂતોએ મીઠા પાણીનું સરોવર પોતાની જ સૂઝ અને શ્રમદાનથી તૈયાર કરી દીધું.
 
ભાવનગરના તળાજામાં દરિયાના પાણીથી ધરતીની ફળદ્રુપતાને બચાવવા માટે મેથાળાની આસપાસના ખેડૂતોએ સરોવર બાંધ્યું છે.
20 ગામોના ખેડૂતોએ 50 દિવસમાં 980 મીટરનો બંધારો બાંધીને મીઠા પાણીનું સરોવર તૈયાર કરી દીધું છે.
આ બંધારા માટે 90 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂક્યો હતો. જેની સામે ખેડૂતોએ માત્ર 40 લાખ રૂપિયામાં આ બંધારો બાંધી દીધો છે.
ખેડૂતોએ ધોમધખતા તાપ વચ્ચે દાતાઓની સખાવતને લઈ બંધારાનુ નિર્માણ કર્યુ છે.
ત્રણ મહિના દરમિયાન સ્થાનિક ખેડૂતોએ પાંચ જેસીબી અને પચાસ ટ્રેક્ટરો તેમજ મહિલાઓ, ખેત મજૂરો, યુવકોએ ભેગા મળીને બંધારાનું કામ પૂરું કર્યું છે.
આનંદ એ વાતનો છે કે ક્યાંક ક્યાંક હજુ પણ કોડિયાં પ્રકાશ પાથરી રહ્યાં છે.
 
કેવું છે એ સરોવર?
તળાજાના દરિયાકાંઠા નજીક આ ગામોના લોકોએ બંધારાના નિર્માણનું બીડું ઝડપ્યું અને તેને વિઘ્ન વિના પૂર્ણ કર્યું.
ખેડૂતોએ સાથે મળીને 45 ફૂટ તળિયેથી અને ઉપરથી 30 ફૂટ પહોળો બંધારો બાંધ્યો છે.
આ બંધારાના બાંધકામ માટે જે સમિતિ રચાઈ હતી તેના આગેવાનોના કહેવા મુજબ આ બંધારાની ઊંચાઈ 6 મીટર છે.
બંધારાને પથ્થરનું પેસિંગ પણ કરવામાં આવ્યું છે જેથી વરસાદમાં પાળો ધોવાય નહીં.
પાણી વધારે ભરાય તો ઓવરફ્લો માટે 575 ફૂટ આરસીસીનું કામ પણ કરાયું છે.
વર્ષો જૂની માંગણી સરકારે તો ન ઉકેલી પણ સૌના સહિયારા સાથ સહકારથી હજારો વિઘામાં મીઠા પાણીનો સંગ્રહ થશે.
દરિયાના ખારા પાણી અને ભૂગર્ભ વાટે વધતા ક્ષારને પણ રોકવામાં મદદ મળશે.
 
એ બંધારો
હું મોટી સિંચાઈ વિભાગનો મંત્રી હતો ત્યારે વર્ષોથી જેની વાતો ચાલતી તે નિકોલ બંધારો (મહુવા પાસે) બાંધવાનું કામ શરૂ કર્યું અને ખાતમુહૂર્તના દિવસે મોરારીબાપુને આમંત્રણ આપ્યું હતું.
બાપુ આમ તો અત્યંત મૃદુભાષી અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે પણ એમણે એમના ભાષણમાં એક ટકોર કરી જે મને હાડ સોંસરવી ઊતરી ગઈ.
એમણે કહ્યું કે આ વિસ્તાર અને મહુવા એક જમાનામાં સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતું.
નાળિયેરીથી માંડીને બાગાયત પેદા કરતી જમીન કાળક્રમે દરિયાની ખારાશ આગળ વધતાં લગભગ બંજરભૂમિ બની ગઈ.
નિકોલ અને માલણ બંધારા જેવી યોજનાઓ થકી દરિયાના પાણીને અંદર આવતા રોકી મીઠા પાણીનું સરોવર બનાવ્યું હોત તો મહુવાની સકલ કંઈક જુદી હોત.
બાપુએ અત્યંત માર્મિક રીતે કહ્યું કે આ નિકોલ બંધારાનું ખાતમુહૂર્ત ત્રીજી વખત થાય છે. આશા રાખીએ કે આ વખતે તો તેનું કામ શરૂ થશે અને બંધારો મોડો વહેલો પણ બંધાશે.
મારા ચીફ એન્જિનિયર ગુલાટી બાજુમાં જ ઊભા હતા. મેં આંખના ઇશારાથી તેમને પાસે બોલાવ્યા.
એક અત્યંત કાર્યદક્ષ ઇજનેર એવા ગુલાટીની આંખમાં મેં દ્રઢ નિશ્ચયનું વણબોલ્યું વચન વાંચ્યું અને મારા ભાષણમાં જવાબ વાળતાં કહ્યું કે આ કામ પૂરું થવાની તારીખ આ છે.
બાપુને હું અધિકારપૂર્વક કહું છું કે એના એક અઠવાડીયા પહેલાં આપના હાથે એનું લોકાર્પણ કરીશું.
બંધારો સારી રીતે બંધાયો, સમયસર પૂરો થયો એ બધો પ્રતાપ ગુલાટી અને એમની ટીમનો.
પછી તો માલણ બંધારાનું કામ પણ હાથમાં લીધું હતું પણ આ કામો પૂરાં થાય એની ખુશીમાં સહભાગી થવાનું કદાચ મારા માટે નિયતિએ ઉચિત નહીં સમજ્યું હોય એટલે એ પહેલાં જ તત્કાલીન મુખ્ય મંત્રીશ્રીએ મારું રાજીનામું માંગી લીધું અને આપણે રામ પાછા હતા એવા ફક્કડ ગિરધારી બની ગયા.
હું, મારું અને મારા થકી જેવા અહંકાર કે મમત્વપૂર્ણ વિચારો મનમાં ન ઘૂસી જાય એટલા માટે ભગવાને મારા પર આ મહેરબાની કાયમી ધોરણે રાખી છે.
કામ પૂરું થાય તેનો આનંદ અને બાકી તો વણઝારાની માફક ઝોળો લઈને ચાલતા થવાનું.
બરાબર આ જ રીતે ગણદેવી વિસ્તારમાં દેવધા ટાઇડલ રેગ્યુલેટર બાંધીને એ વિસ્તારની અર્થવ્યવસ્થાની કાયાપલટ કરવાનું કામ પણ સદનસીબે આ કામગીરીના સાથોસાથ જ થયું.
આથીય વધુ જરૂરી એવો પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર બાંધવા માટેની પ્રાથમિક તૈયારીઓ કરી લીધી હતી.
એ વખતે નવા નવા ધારાસભ્ય બનેલા અને અત્યારે વિધાનસભાના દંડક મારા મિત્ર રમેશ પટેલ (માન. દંડકશ્રી આર.સી.પટેલ)ને મેં એ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી વલસાડ વિસ્તારમાં દરિયો જમીનમાં ધસી આવવાને કારણે જે તબાહી વેરાય છે તે સામે દેવધાની માફક જ એક અભેદ્ય સંરક્ષક કવચ બાંધી આપવાની ખાતરી આપી હતી.
 
અગત્યનો પ્રોજેક્ટ પુર્ણા ટાઇડલ રેગ્યુલેટર
 
ઈ.સ.2000ની સાલની આ વાત છે. હજુ પણ એ કામ એમ જ પડ્યું છે. કદાચ મારી નિષ્ઠામાં કંઈક ખામી હશે કે આપેલું વચન પૂરું ન કરી શકાયું અથવા નિયતિએ એવું ઇચ્છયું હશે કે આ કામ લટકતું જ રહે.
જે હોય તે પુર્ણા ટાઈડલ રેગ્યુલેટર પણ ખૂબ અગત્યનો પ્રોજેક્ટ છે અને જે દિવસે એ પૂરો થશે એના ખૂબ મીઠાં ફળ વલસાડ વિસ્તારને મળશે.
દરિયાઈ ખારાશ અંદર આવતી રોકવી એ પણ જળ નિયંત્રણ અને જળ વ્યવસ્થાનો એક ભાગ છે.
રાજ્ય સરકાર પહેલાં કપૂર સમિતિ અને ત્યાર બાદ બારેજા સમિતિ એમ બે ખૂબ જ કાર્યદક્ષ અને સિનિયર મુખ્ય સચિવશ્રીની કક્ષાના અધિકારીઓ પાસે વિસ્તૃત અહેવાલ કરાવ્યો છે.
આ અહેવાલનું અમલીકરણ જો થાય તો વળી પછી લીલી નાઘેર જીવતી થાય, વળી પાછું મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર બને, વળી પાછું વલસાડની આજુબાજુનો વિસ્તાર આંબા, ચીકુડીઓ અને નાળિયેરીઓથી સમૃદ્ધ બની રહે.
ઘણી બધી શક્યતાઓ છે આમાં. જે થયું એ કર્યું તેમાં નિકોલ, માલણ અને દેવધા આવે. ઘણું બધુ રહી ગયું જેમાંનો એક પુર્ણા ટાઇડલ રેગ્યુલેટર ગણી શકાય.
પણ સરવાળે તો મારે મારા પ્રિય સાહિત્યકાર અને મિત્ર સુરેશભાઈ દલાલને ટાંકીને જ સંતોષ લેવો રહ્યો.
એમની કવિતા 'સ્વબોધ' શક્ય તેટલે અંશે જીવનમાં એક મંત્ર તરીકે ઉતારીને જીવવાનો પ્રયત્ન આજ દિવસ સુધી કર્યો છે અને ઈશ્વર ચાહશે ત્યાં સુધી કરતો રહીશ.