રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 4 જૂન 2024 (11:16 IST)

ગુજરાતની આ બેઠકો જ્યાં ભાજપનો સૌથી વધુ વિરોધ થયો હતો, ત્યાં શું સ્થિતિ છે?

gujarat loksabha news
gujarat loksabha news
 ગુજરાતમાં રાજકોટ બેઠક ચૂંટણી વખતે સૌથી ચર્ચાસ્પદ બેઠક બની હતી. જ્યાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલા નિવેદનને કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ શરૂ થયો હતો. રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતાં. તે વખતે એવો ટ્રેન્ડ હતો કે ધાનાણી એક તરફી જીત મેળવી લેશે પરંતુ પરિણામોના વલણો જોતા પરશોત્તમ રૂપાલા બે લાખ કરતાં વધુ લીડથી આગળ વધી રહ્યાં છે. 
 
બનાસકાંઠામાં કાંટાની ટક્કર, પાટણમાં કોંગ્રેસ આગળ
બીજી તરફ જામનગરમાં પણ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની સભાઓમાં ક્ષત્રિયોએ ભારે વિરોધ કર્યો હતો. ત્યારે આજે સવારથી જ જામનગર બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી. પરંતુ વલણો પસાર થતાં પૂનમબેન માડમ પણ જીત તરફ આગળ વધી રહ્યાં છે. તે ઉપરાંત રાજ્યની બનાસકાંઠા બેઠક પર હાલમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપના રેખાબેન અને કોંગ્રેસના ગેની બેન વચ્ચે વલણોમાં ઉતાર ચઢાવ દેખાયો છે. પાટણ બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ વધી રહ્યાં છે. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો જબરદસ્ત વિરોધ થયો હતો પણ હાલમાં તેઓ 40 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે. 
 
પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવાર 2 લાખ કરતા વધુ મતથી આગળ
રાજ્યમાં 26માંથી પાંચ બેઠકો પર હાલમાં ભાજપના ઉમેદવાર 2 લાખ કરતા વધુ મતથી આગળ વધી રહ્યાં છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ખૂબ પાછળ ચાલી રહ્યાં છે. ચૈતર વસાવાની રેલીઓમાં ભારે ભીડ ભેગી થવાથી એવું લાગતું હતું કે, તેઓ મેદાન મારી જશે પણ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 70 હજાર કરતાં વધુ મતથી આગળ વધી રહ્યાં છે. તે ઉપરાંત વલસાડ બેઠક પર પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે જાહેર સભાઓ યોજી હતી. તેની કોઈ અસર જોવા મળી નથી. વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ દોઢ લાખ જેટલા મતથી આગળ ચાલી રહ્યાં છે.