Last Modified: ભોપાલ , મંગળવાર, 14 એપ્રિલ 2009 (12:07 IST)
સાયકલ બોમ્બનો માસ્ટર માઈન્ડ પકડાયો
અમદાવાદમાં થયેલા બ્લાસ્ટનો આરોપી
મધ્યપ્રદેશની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડે જયપુર સહિત દેશનાં વિવિધ ભાગોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલ ઈન્ડીયન મુઝાહીદ્દીન(આઈએમ)નાં સંદિગ્ધ આતંકવાદી સૈફઉર રહેમાનની રવિવારે જબલપુર રેલ્વે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી છે.
22 વર્ષીય સૈફઉર ટ્રેનથી બનારસથી મુંબઈ જઈ રહ્યો હતો. મધ્યપ્રદેશ એટીએસનાં આઈજી મૈથલીશરણ ગુપ્તનાં જણાવ્યા મુજબ સોમવારે એટીએસની ટીમે સૈફઉરને ભોપાલ કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં કોર્ટે તેને 16 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં સોંપવાનો નિર્ણય કર્યો છે.
સૈફઉર ઉત્તર પ્રદેશનાં આઝમગઢનો રહેવાસી છે. જયપુર, અમદાવાદ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હોવાનો તેની પર આરોપ છે. તેમજ જયપુરમાં સાયકલ બોમ્બ પ્લાન્ટ કરવાની યોજના પણ બનાવી હતી.
સૈફઉરે 2003માં ધોરણ 12ની પરીક્ષા આપી હતી. ત્યારબાદ 2004માં દિલ્હી આવીને પ્રિ એન્જિનિયરીંગ ટેસ્ટની પરીક્ષા આપી હતી. પણ તેની પસંદગી થઈ નહતી. તે દરમિયાન તેની ઈન્ડીયન મુઝાહીદ્દીનનાં સદસ્યો સાથે મુલાકાત થઈ હતી. અને, આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ થયો હતો.