મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. મારુ ગુજરાત
  3. અમદાવાદ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (17:08 IST)

અમદાવાદમાં ઈલેક્ટ્રિક વ્હિકલના શોરૂમમાં આગ, બેટરીઓ ફાટતા શો રૂમના કાચ તૂટ્યા

ahmedabad fire
અસારવા વિસ્તારમાં અભિષેક-3 એસ્ટેટમાં આવેલા ઈલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાંની સાથે જ બેટરીઓ ધડાકા સાથે ફાટવા લાગી હતી, જેનાથી કાચ પણ તૂટ્યા હતા. આ ઘટનાથી આસપાસની દુકાનમાં લોકોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ત્રણ જેટલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઈલેક્ટ્રિક બેટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
 
પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, આજે બપોરે કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે અસારવા વિસ્તારમાં અભિષેક એસ્ટેટ 3માં આવેલા એક બેટરીના શોરૂમમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્યાં જઈને જોયું તો આગ શોરૂમમાં ફેલાઈ ગઈ હતી અને ધુમાડો નીકળતો હતો. આસપાસમાં લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
 
આસપાસની દુકાનો પણ તાત્કાલિક ખાલી કરાવી
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં બેટરી કે ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગી હતી, જેના કારણે આગ વધુ ફેલાઈ હતી. શો-રૂમમાં રહેલી બેટરીઓ પણ ધડાકા સાથે ફાટી રહી હતી. શો-રૂમમાં ધડાકા થતાની સાથે જ આસપાસની દુકાનો પણ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ કાબૂમાં લઇ લીધી છે.