શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (12:01 IST)

અમદાવાદમાં બ્રિજોની સફાઈ, રાત્રી દરમિયાન પાણીથી ધોવાનો પ્રયોગ, 8 ટન માટી નિકળી

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન શહેરભરમાં આવેલા ૪૫ બ્રિજ, અંડરબ્રિજ અને ફ્લાયઓવરબ્રિજોની મોટાપાયે સફાઇ કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં પ્રથમ વખત જ પાણીના ટેન્કરો વડે બ્રિજો ધોવાની કામગીરી કરાઇ હતી. બ્રિજો પરથી આશરે ૮ ટન માટી ઉપાડવામાં આવી હતી. અઢીસોથી વધારે સફાઇ કામદારો, ૪૦થી વધુ સ્વીપીંગ મશીનો આ કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ હેઠળ શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં મ્યુનિ.તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં અવનવા પ્રયોગો પણ કરાઇ રહ્યા છે. સૂકો-ભીનો કચરો અલગ ઉપાડવાની સાથે તમામ રોડ રસ્તાઓ પર ડસ્ટબીનો મુકવાની સાથે હવે બ્રિજો, અંડરપાસ પર પણ સફાઇ માટે ધ્યાન અપાઇ રહ્યું છે.
રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી બ્રિજોને પાણીથી ધોવામાં આવી રહ્યા છે. નોંધપાત્ર છેકે બ્રિજ, અંડરપાસ પર મોટાભાગે સફાઇ થતી નથી. ત્યાં ડિવાઇડરમાં તેમજ બ્રિજની બંને સાઇડ પર માટી ભરાયેલી રહે છે. જે વાહનસ્લીપ થવા માટે પણ મોટાભાગે કારણભૂત છે.
તા.૨૨ અને ૨૩ ડિસેમ્બરના રોજ આ સફાઇ કામગીરી કરાઇ હતી. જેમાં પૂર્વ ઝોનમાં ૩, પશ્ચિમ ઝોનમાં ૧૭, ઉત્તર ઝોનમાં ૪, દક્ષિણ ઝોનમાં ૬, મધ્ય ઝોનમાં ૯, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩ બ્રિજોની પાણીના મારાની સાથે અત્યાધુનિક સાધનોની મદદથી સફાઇ કરાઇ હતી.