રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (09:06 IST)

બિલાડી પાળવાનો શોખ પત્નીને ભારે પડ્યો, પતિના ઘરની સાફસફાઈના વીડિયોથી કંટાળીને પોલીસમાં ફરિયાદ

અમદાવાદ શહેરમાં રહેતા ભદ્ર સમાજના એક પરિવારની બબાલ પોલીસ મથકે પહોંચી છે. આ કેસમાં શિક્ષિકા પત્નીએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પતિને બિલાડીઓ પાળવાનો શોખ હતો અને ઘરમાં 12-15 બિલાડીઓ પાળતો હતો. બિલાડીઓ ઘર ગંદુ કરે તો પતિ વીડિયો ઉતારી પત્નીને મોકલતો અને ઘર સાફ નથી રાખતી કહીને બબાલ કરતો હતો. કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
 
શહેરના ગોળલીમડામાં રહેતી 29 વર્ષીય યુવતીના વર્ષ 2018માં લગ્ન થયા હતા. હાલ તે પુત્ર સાથે રહે છે અને સરખેજમાં એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. લગ્નના થોડા સમય બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી પતિ કહે તેમ જ કરવાનું કહી ગાળો આ યુવતીને આપી હતી. બાદમાં યુવતીની સાસુ ગામડાની છે દેખાવડી નથી કહીને મહેણાં મારતા હતા. પતિને બિલાડીઓ પાળવાનો શોખ હોવાથી ઘરમાં 12-15 બિલાડીઓ રાખતો હતો. બિલાડીઓ ઘર ગંદુ કરે તો વીડિયો ઉતારી પત્નીને મોકલી ઘર સાફ નથી રાખતી કહીને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં દહેજ નથી લાવી કહીને પણ ત્રાસ આપતો અને પગાર આપી દેવાનું કહી એટીએમ કાર્ડ આપી દેવાનું પતિ કહેતો હતો.
 
યુવતી ગર્ભવતી થઈ ત્યારે પણ શ્રીમંત કરવા બાબતે ઝગડા થયા હતા. એટલું જ નહીં યુવતી ચેકઅપ કરાવવા ગઈ ત્યારે ડોક્ટરે સિઝેરિયન કરવાનું કહેતા યુવતી ગભરાઈ ગઈ અને પતિને ફોન કર્યો હતો. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે પણ એકાદ કલાકમાં યુવતીનો પતિ અને સાસુ નીકળી ગયા હતા. જ્યારે યુવતીના પુત્રને શરદી થઈ ત્યારે શેક કરવા કોલસા સળગાવતી હતી ત્યારે તેની સાસુએ આ યુવતીના પુત્રને કોલસા પર મૂકી દેતા તે દાઝી ગયો હતો. આવા ત્રાસથી કંટાળી આખરે મહિલાએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.