મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. મારુ ગુજરાત
  3. રાજકોટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2024 (16:21 IST)

રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન બોલાવવામાં આવશેઃ પી.ટી. જાડેજા

Rajkot: P.T. Jadeja
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે. આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજના વિરોધ સાથે આંદોલનના સૂર જોવા મળી રહ્યા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે મોદી સાહેબનો ટાર્ગેટ 400 સીટનો છે, પણ હું એમ કહેવા માગું છું કે ભારતમાં અમે 22 કરોડ ક્ષત્રિયો છીએ. અમે 400 નહીં, 440 સીટ અપાવીશું. રામના નામે પાણો તરે એમ ભાજપના નામે પાણો ચૂંટાઈ શકે છે, પણ રૂપાલાને હટાવો. આગામી 6 અથવા 7 એપ્રિલના રોજ રાજકોટમાં મહાસંમેલન બોલાવવામાં આવશે, જેમાં 5 લાખ લોકો ભેગા કરીશું.

રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ એક જ માગ છે. છેલ્લા બે દિવસથી મને મારી નાખવાની ધમકીના ફોન પણ આવી રહ્યા છે છતાં હું ડરવાનો નથી અને સમાજની સાથે ઊભો રહેવાનો જ છું. પી.ટી. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આજે રામના નામના પાણા તરે એ રીતે ભાજપના નામે પાણો પણ ચૂંટાઈ શકે છે. અમારી માગ એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવે. રાજકોટ નહીં, પરંતુ એકપણ જગ્યાએથી ટિકિટ આપવામાં ન આવે. અમારો વિરોધ રૂપાલા સાહેબ સામે છે, અમારા સમાજની કોઈ ટિકિટની માગ નથી. ગુજરાતમાં લોકસભામાં ક્ષત્રિય સમાજને એકપણ ટિકિટ આપવામાં આવતી નથી. આ વર્ષે ચૂંટણી હોવાના કારણે 6 મહિના પહેલા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહને બનાવવામાં આવ્યા છે.પી.ટી.જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે અમારી મુખ્ય 90 સમાજના પ્રતિનિધિ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે આગામી સમયમાં 6 અથવા 7 તારીખના રોજ મહાસંમેલન બોલાવવામાં આવશે, જેમાં 5 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આ સમાજનું મોટું સંમેલન હશે, અમારા ક્ષત્રિય સમાજની ગુજરાતમાં 50 લાખ વસતિ છે અને દેશમાં 20 કરોડ વસતિ છે. માટે અમારી મોદી સાહેબને વિનંતી છે કે અમે ક્ષત્રિય સમાજ હંમેશાં તમારી સાથે રહ્યો છે અને રહીશું, પણ આ અમારા બધાનું અપમાન છે, અમારી એક જ વિનંતી છે કે અન્ય કોઈપણને ટિકિટ આપો, અમારો કોઈ સમાજ સાથે વિરોધ નથી, વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સાથે છે.