આ રીતે મકાઈના ખેતરમાં પ્લેન લૅન્ડ કરી પાઇલટે બચાવ્યા 230થી વધુ લોકોના જીવ
રશિયામાં એક અસાધારણ વિમાની અકસ્માતમાં પાઇલટે વિમાનને મકાઈના ખેતરમાં ઇમરજન્સી લૅન્ડિંગ કરાવ્યું. વિમાનમાં 230થી વધુ લોકો સવાર હતા અને તેમને કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ ઘટના પછી પાઇલટ દમીરને મીડિયામાં હીરો તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે.
રશિયાની ઉરુલ ઍરલાઇન્સનું વિમાન ઍરબસ 321 જુવોસ્કી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટથી ક્રીમિયાના સિમફેરોપોલ જઈ રહ્યું હતું. દરમિયાન તે બર્ડહિટનો ભોગ બન્યું હતું.
ટૅકઑફ કર્યા પછી તરત જ આ ઘટના બની હતી. વિમાનના એન્જિનમાં પક્ષીઓ ઘૂસી જતાં તે બંધ થઈ ગયું હતું.
આ પછી પાઇલટે વિમાનને નજીકના મકાઈના ખેતરમાં ઇમરજન્સી લૅન્ડ કર્યું.
ઇમરજન્સી લૅન્ડિંગમાં કુલ 74 લોકોને નાની-મોટી થઈ છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય એવું જાણવા મળ્યું નથી.
ઈજાગ્રસ્તોમાં 19 બાળકોનો પણ સમાવેશ થાય છે. જોકે એક વ્યક્તિ હજી હૉસ્પિટલમાં દાખલ છે.
સ્થાનિક મીડિયામાં 230થી વધારે લોકોનો જીવ બનાચાવનાર પાઇલટનું હીરો તરીકે અભિવાદન થઈ રહ્યું છે.
એક અનામી મુસાફરે સ્થાનિક ટીવીને કહ્યું કે ટૅકઑફ થયા ને તરત જ વિમાનમાં હલચલ થઈ હતી. પાંચ સેકન્ડ પછી જમણી તરફની લાઇટ ફ્લેશ થવા લાગી. આગની ગંધ આવવા લાગી. પછી અમે લૅન્ડ થયા અને લોકો ભાગવા લાગ્યા.
રોસાવિસાતિયા ઍર ટ્રાન્સપૉર્ટ એજન્સીનું કહેવું છે કે વિમાન રન-વેથી 0.62 માઇલ મકાઈના ખેતરમાં ઉતારવામાં આવ્યું હતું.
ઍરલાઇનના ડિરેક્ટર જનરલ કિરિલ સુક્રોતોવે સમાચાર સંસ્થાને કહ્યું કે જે પ્રવાસીઓ મુસાફરી ચાલુ રાખવા માગતા હશે તેમને વૈકલ્પિક વિમાન આપવામાં આવશે.
કેવી રીતે બની ઘટના?
230થી વધારે મુસાફરો સાથે વિમાન જુકોવસ્કી ઍરપૉર્ટથી ક્રીમિયાના સિમફેરોપોલ જઈ રહ્યું હતું ત્યારે ટૅકઑફ પછી તરત જ તે બર્ડહિટનો ભોગ બન્યું હતું.
આ બર્ડહિટને પગલે એક એન્જિનમાં પક્ષીઓ ફસાઈ જવાને લીધે તે બંધ થઈ ગયું.
વિમાનનો લૅન્ડિંગ ગિયરમાં પણ ખામી સર્જાઈ હતી.
ક્રૂએ વિમાનને તરત જ નજીકમાં આવેલા મકાઈના ખેતરમાં લૅન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.
રશિયન મીડિયામાં આ ઘટનાની સરખામણી 2009માં હડસન નદીમાં થયેલા ઇમરજન્સી લૅન્ડિંગ સાથે કરવામાં આવી રહી છે.
2009માં પણ આવી જ રીતે ટૅક ઑફ પછી તરત જ વિમાનનું હડસન નદીમાં ઇમરજન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.