મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 જૂન 2021 (10:08 IST)

અમદાવાદની ઈન્ક બનાવતી કંપનીમાં આગ લાગતાં 3 ફાયરમેનને ઇજા

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં મોડી રાતે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે આ ઓલવતી વખતે ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. 
 
નરોડા સૈજપુર બોઘા રોડ પર શિવાય એન્કલેવ સામે આવેલ ઈન્ક એનોન નામની કંપની આવેલી છે. વિવિધ ઉપયોગમાં આવતી અલગ અલગ પ્રકારની ઈન્ક બનાવતી કંપનીમાં મધ્ય રાત્રે 3:00 વાગે આગ લાગી હતી. નરોડા વિસ્તારની કંપનીમાં લાગેલી આગ અંગે ફાયરના ડિવિઝનલ ઓફિસર મનીષ મોડે જણાવ્યું કે, ઈન્ક એનોમ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ 3.30 વાગે મળ્યો હતો. આગની તીવ્રતા જોઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. 
 
ઈન્ક બનાવતી કંપની હોવાથી સોલવન્ટ અને કેમિકલ્સ હોવાથી આગ વિકરાળ બની હતી. આ ઘટનામાં 3 કર્મચારીઓને ઇજા પહોંચી હતી જેથી તેમને હાલ શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગવાનું કારણ જાણવા FSLની મદદ લેવામાં આવી છે. ફાયરના સાધનો પૂરતા હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. 
 
આગ ઓલવવાની કામગીરી દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝના ઓઢવ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા 3 ફાયરમેન કર્મચારીઓ દાઝ્યા હતા. તેમના હાથ આગથી દાઝી ગયા છે. તથા મોઢાના ભાગે પણ થોડી ઈજા પહોંચી છે. 
 
આકસ્મિક લાગેલ આ ભીષણ આગને કારણે ઈન્ક બનાવતી ફેક્ટરીમાં રાખવામાં આવેલ રો-મટીરિયલ, મશીનરી, પાકો તૈયાર માલ, ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગની ઈમારતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 10૦ થી વધુ કર્મચારીઓ અને ફાયર ફાઈટર, વોટર ટેન્કર, વોટર બાઉઝર, રોબોટ મળી ૩૦ જેટલા વાહનોની મદદથી પાંચ કલાકની ભારે જહેમત સાથે આગ પર કાબૂમાં મેળવ્યો હતો. 
 
આ આગ દરમ્યાન આજુબાજુની અન્ય મિલ્કતોને નુકસાન થાય નહી તેની તકેદારી રાખી ફેક્ટરીની આગળ-પાછળથી વ્યુહાત્મક રીતે સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.