રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 28 જુલાઈ 2020 (11:41 IST)

જાહેરમાં માસ્ક ન પહેરનાર-થૂંકનારને 500 રૂપિયાનો દંડ, અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં માસ્ક મળશે

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા અનેક ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત હાઈકોર્ટે પણ માસ્ક નહીં પહેરનાર પાસેથી એક હજાર રૂપિયા સુધીનો દંડ કરવાની સરકારને ટકોર કરી છે. રાજ્યમાં હજીયે લોકો માસ્ક વિના ફરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે ફરીએક વાર માસ્કના દંડની રકમ અંગે અને માસ્કના વેચાણ અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે.  1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે 1 ઓગષ્ટથી રાજ્યભરમાં એકસરખો જ દંડ વસૂલવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.