શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરેન્દ્રનગર , ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (15:54 IST)

સુરેન્દ્રનગર સિવિલના 8 ડૉક્ટરો લાંબા સમયથી ગેરહાજર

ગુજરાતમાં ચાલુ ફરજે વિદેશમાં જઈ વસેલા શિક્ષકો સામે સરકારે એક્શન લીધા છે. ત્યારે હવે શિક્ષકો બાદ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઠ ડોક્ટરો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ગેરહાજર હોવાથી આ આઠ તબીબો અંગે સિવિલ સર્જને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જિલ્લાના 10 તાલુકામાં એકપણ બાળરોગ નિષ્ણાંત તબીબી નથી.તબીબોની આ બેદરકારીનો ભોગ દર્દીઓ બની રહ્યા છે.
 
હાલ એક કાયમી તેમજ 30 હંગામી ભરતીથી હોસ્પિટલ ચાલે છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલના આઠ ડોક્ટરો કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ફરજ પરથી દૂર છે. આ બાબતી જાણ આરોગ્ય વિભાગને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત જિલ્લાના PHC અને CHCમાં પણ 21 મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે. જેમાં જિલ્લાના 50 PHC સેન્ટરોમાં 50ની સામે 12 મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી તેમજ 12 CHC સેન્ટરોમાં 37ની સામે 9 મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે. જ્યારે ગાંધી હોસ્પિટલમાં CDMO,RMO સહિત નિષ્ણાંત તબીબો એટલે વર્ગ 1નું 31નું મહેકમ છે. જેની સામે હાલ એક કાયમી તેમજ 30 હંગામી ભરતીથી હોસ્પિટલ ચાલે છે અને 10 જગ્યા ભરેલી છે. આમ આ હોસ્પિટલમાં પણ વર્ગ 1ની 21 જેટલી ખાલી જગ્યાઓ છે.
 
એક તબીબ તો 2019થી ગેરહાજર હોવાનું સામે આવ્ચું
જ્યારે વર્ગ-2માં તબીબી અધિકારી સહિત કુલ 21નું મહેકમ સામે 10 હંગામી જગ્યા ભરેલી છે. આમ વર્ગ 2માં પણ 21ની સામે 16 જગ્યા ખાલી અને વર્ગ-3માં 144ની સામે 55ની ઘટ અને વર્ગ 4માં 67ની સામે 61 જગ્યા જોવા મળી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના એક તબીબ તો 2019થી ગેરહાજર હોવાનું સામે આવ્ચું છે. જેઓ GPSC પાસ કરીને ફરજ પર આવ્યા હતા. આ ઉપરાંત અંદાજે 7 જેટલા બોન્ડવાળા તબીબ જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. હાલમાં 11 જેટલા બોન્ડવાળા તબીબોની પણ જગ્યાઓ હોસ્પિટલમાં ભરાઇ ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું.