રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (14:31 IST)

વડોદરામાં રાજમહેલમાં 8 ફૂટનો મગર અને કલાલીમાં બાંધકામ સાઇટમાંથી 5 કલાકની જહેમત બાદ 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો

વરસાદ શરૂ થતાં જ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી મગરો સોસાયટી વિસ્તારોમાં આવવાની શરૂ થઇ ગઇ છે. વહેલી સવારે વન વિભાગે રાજમહેલમાંથી 8 ફૂટનો અને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ કલાલી પાસેની એક કન્સ્ટ્રક્શન સાઇટના પાણી ભરેલા ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. 
 
વન વિભાગે રાજમહેલમાં ધસી આવેલા 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો 
વડોદરા વન વિભાગ દ્વારા મોડી રાત્રે 3 કલાકે રાજમહેલમાં ધસી આવેલા આશરે 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. વન વિભાગના રેસ્ક્યુ ટીમના જિગ્નેશ પરમારને માહિતી મળી હતી કે, રાજમહેલમાં એક મગર ધસી આવ્યો છે. મેસેજ મળતા જ તેઓ પોતાની ટીમ અને પીંજરું લઇ રાજમહેલમાં પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આ મગર રાજમહેલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી આવી ગયો હોવાનું મનાય છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા મગરને વન ખાતાની કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો. મગરને સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.
બાંધકામ સાઇટના ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો
આ ઉપરાંત ગુજરાત એસ.પી.સી.એ. અને વાઇલ્ડ લાઇફ એસ.ઓ.એસ.ના સંચાલક રાજ ભાવસાર અને તેમની ટીમ દ્વારા કલાલી પાસે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના પાણી ભરેલા ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. રાજ ભાવસારને મેસેજ મળ્યો હતો કે, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી ભરેલા ખાડામાં મગર છે. મેસેજ મળતા જ તેમની ટીમ પહોંચી ગઇ હતી. અને મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દીધો હતો. 
 
5 કલાક રેસ્ક્યૂ ચાલ્યું
રાજ ભાવસારે જણાવ્યું હતું કે, કન્સ્ટ્રક્શન સાઇટમાં આવી પહોંચેલા મગરને કાઢવો મુશ્કેલ હતો. મગર કાઢવા માટે ખાડામાંથી પાણી ઓછું કરવામાં આવ્યું હતું. તે બાદ ટીમ દ્વારા મગરને કોઇ જાનહાનિ ન થાય તે રીતે રેસ્ક્યૂ કરવામાં આવી હતી. પાણી ભરેલા ખાડામાંથી મગરને બહાર કાઢવા માટે 5 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. મગર પકડાયા બાદ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા મજૂરોએ હાશકારો અનુભવ્યો હતો. આ મગર પણ કલાલી ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ધસી આવ્યો હોવાનું મનાય છે.
 
વિશ્વામિત્રી નદીમાંથી ધસી આવતા મગરો જોખમકારક છે.
છેલ્લા એક સપ્તાહથી વરસાદ શરૂ થતાં જ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી મગરો સોસાયટી વિસ્તારોમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. ખાસ કરીને નદી કિનારે રહેતા  લોકો માટે વિશ્વામિત્રી નદીમાંથી ધસી આવતા મગરો જોખમકારક છે. જોકે, હજુ સુધી કોઇ અપ્રિય ઘટના બની નથી. નદી કિનારાના લોકોને મગરો ધસી આવવાનો ડર સતત રહે છે.