શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (00:03 IST)

અમદાવાદ એરપોર્ટ પર રમકડાનું ડ્રોન મળતાં પોલીસ દોડતી થઈ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

અમદાવાદ એરપોર્ટ હાલમાં દેશમાં સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાંનું એક એરપોર્ટ બન્યું છે. અહીં દેશમાં વધુ ફ્લાઈટોની અવરજવર નોંધાઈ રહી છે. ત્યારે એરપોર્ટના રનવે પર બપોરના સમયે રમકડાંનું એક ડ્રોન મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી.અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા રનવે પર પેટ્રોલિંગ માટે ખાસ ટીમ અનામત રાખવામાં આવી છે. આ ટીમ દ્વારા રનવે પર એક ફ્લાઇટ પાસે ડ્રોન હોવાની જાણકારી CISF ને આપવામાં આવી હતી.  
 
CISF દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના પેટ્રોલિંગ સ્ટાફ ઉપરાંત ફ્લાઇટના પાઇલટ દ્વારા પણ કંટ્રોલ રૂમમાં રનવે પર ડ્રોન જેવું કંઇક હોવાની જાણકારી રેડિયો મારફતે આપવામાં આવી હતી.  ત્યારબાદ CISF ની ટીમ રનવે પર દોડી આવી હતી. CISF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જાણકારી મળી હતી કે આ એક રમકડાનું ડ્રોન છે. આ રમકડાંનું ડ્રોન ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યું તે અંગે વધુ તપાસ કરવા માટે CISF દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. 
 
જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ કરવામાં આવશે
ડ્રોન મુદ્દે અમદાવાદમાં ઝોન-4 ના ડીસીપી કાનન દેસાઈએ મીડિયા સાથેની જણાવ્યું હતું કે, એરપોર્ટ પર ડ્રોન મળ્યું હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારે ત્યાં રમકડાંનું ડ્રોન મળી આવ્યું હતું. જે અંગે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ કરવામાં આવશે.મુસાફરોની સુરક્ષા માટે પણ એરપોર્ટ પોલીસ અને CISF ને સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે 24 કલાક તૈનાત રાખવામાં આવે છે. જેથી એરપોર્ટ પર આવતા મુસાફરો નહીં કોઈ ગંભીર સમસ્યા ન થઈ શકે. આ જ કડક સુરક્ષા વચ્ચે આજે બપોરે 3:00 વાગ્યાના આસપાસ રનવે પરથી ડ્રોન મળી આવ્યું છે.