રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (09:41 IST)

અટલ બ્રિજને લઇને એલર્ટ જાહેર, 1 કલાકમાં 3 હજારથી વધુ લોકો જઇ શકશે નહી

હાલમાં તહેવારની સિઝન ચાલી રહી છે. તહેવારમાં રજાઓ માણવા લોકો પરિવાર સાથે ટુરિસ્ટ પ્લેસ પર ફરવા નિકળી પડે છે. તાજેતરમાં રવિવારે સર્જાયેલી મોરબીની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ક્ષમતા કરતાં વધુ લોકો મોરબીના ઝૂલતા બ્રિજ પડી પહોંચી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. ત્યારે આવો જ નજારો અમદાવાદના અટલ બ્રિજ પર જોવા મળી રહ્યો છે. 
 
હાલમાં રજાનો માહોલ હોવાથી લોકો પરિવારજનો સાથે અટલ બ્રિજની મુલાકાત લઇ રહ્યા છે. અટલ બ્રિજ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જેને લઇને મીડિયામાં સમાચારો છપાતા એએમસી સફાળું જાગી ગયું છે. એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
 
કેબલ બ્રિજ તૂટવાને કારણે ગુજરાતના મોરબીમાં સર્જાયેલા અકસ્માતે વહીવટીતંત્રને એલર્ટ કરી દીધું છે. તેમાંથી બોધપાઠ લઈને હવે અમદાવાદના અટલ બ્રિજ પરથી પસાર થતા લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે કે એક સાથે બ્રિજ પર માત્ર 3 હજાર લોકોને જ જવા દેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સોમવારે સાંજથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો અને વધારે સંખ્યામાં લોકો હતા જેથી સાંજના સમયે લોકોની ભીડ વધી જતા 30 મિનિટ સુધી લોકો બહાર ન નીકળ્યા ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ પણ ફરમાવી દેવામાં આવ્યો હતો.
 
સાબરમતી નદી પર એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ એક ફૂટ ઓવર બ્રિજ છે. 74 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. સાબરમતી નદી પર એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. રાહદારીઓ અને સાયકલ સવારો પૂર્વ અને પશ્ચિમ છેડે અવર-જવર માટે આ પુલનો ઉપયોગ કરે છે.
 
અટલ બ્રિજના નિર્માણ બાદ અમદાવાદ શહેરને નવી ઓળખ મળી છે. અમદાવાદના લોકો અહીં કોઈ પણ પ્રકારના ટ્રાફિક વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં રિવરફ્રન્ટની મજા માણવા આવે છે. અટલ ફૂટઓવર બ્રિજની કુલ લંબાઈ 300 મીટર છે, મધ્યવર્તી સ્પાન 100 ચોરસ મીટર છે. જો આપણે પુલની પહોળાઈ વિશે વાત કરીએ, તો તેના છેડાની પહોળાઈ 10 મીટર છે અને પુલની પહોળાઈ મધ્યમાં 14 મીટર છે.
 
જો તેની ડિઝાઇનની વાત કરીએ તો બ્રિજમાં 2600 ટન વજનની લોખંડની પાઇપ સ્ટ્રક્ચર, રંગીન ફ્લોરિંગ સાથે ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે પ્લાન્ટર્સ, સ્ટેનલેસ સ્ટીલ અને કાચની રેલિંગ આકર્ષણનું કેન્દ્ર છે.