મંગળવાર, 15 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (12:01 IST)

દિલ્હીમાં બેઠેલા ગઠિયાએ રાસબરી પાઈ સોફ્ટવેરની મદદથી ATM હેક કર્યું, વડોદરામાં સાગરીતોએ 10 લાખ ચોરી લીધા

માંજલપુર સાકાર એપાર્ટમેન્ટમાં આવેલા બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાંથી પોણા ત્રણ કલાકમાં 3 ડેબીટ કાર્ડનો ઉપયોગ કરીને .10 લાખ ચોરી લેનારી આંતરાજ્ય ટોળકીના પાંચ આરોપીઓની અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ગુનામાં દિલ્હી બેઠેલો માસ્ટર માઈન્ડ વોન્ટેડ જાહેર કરાયો છે. માસ્ટર માઈન્ડ રાસબેરી પાઈ સોફ્ટવેરની મદદથી એટીએમ હેક કરી દિલ્હીથી જ એટીએમને ઓપરેટ કરતો અને ફોન પર પાંચેય આરોપીઓને સૂચના આપે એટલે તેઓ 3 ડેબીટ કાર્ડથી રૂપીયા ઉપાડતા હતા.ઉલ્લેખનિય છે કે, આ ટોળકીએ મણીનગરમાં એટીએમ મશીનના સર્વર સાથે ચેડાં કરીને .8.30 લાખ ઉપાડી લેતાં અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ થયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે વડોદરાના એટીએમ ચોરીમાં ગયેલા રૂા.10 લાખ કબજે કર્યાં છે.અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એન.દેસાઈએ જણાવ્યું હતું કે, ટોળકીએ અઢી કલાકમાં 25 ટ્રાન્જેક્શન કરીને રૂા.8.30 લાખ ઉપાડી લીધા હતાં. આરોપીઓએ રૂપીયા ઉપાડવા માટે એક્સીસ બેંક અને એસબીઆઈના કાર્ડનો ઉપયોગ કર્યો હતાં. આરોપીઓએ એટીએમના સર્વર સાથે ચેડા કરી મશીનનો એક્સેસ મેળવીને કોઈ પણ એકાઉન્ટમાં એન્ટ્રી ન થાય અને પૈસા વિડ્રો થઈ જાય તે રીતે સિસ્ટમ ગોઠવીને પૈસા ઉપાડીને છેતરપીંડી કરી હતી.ઉલ્લેખનિય છે કે, અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ટોળકીને પકડ્યા બાદ આ જ ટોળકીએ વડોદરામાં બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાં બેંક ઓફ મહારાષ્ટ્રની માંજલપુર શાખાના એટીએમમાં સોફ્ટવેર સાથે ચેડાં કરી ત્રણ થી ચાર ગઠિયાઓએ 22 ફેબ્રુઆરી મંગળવારે રાતે પોણા ત્રણ કલાકમાં ત્રણ જુદા જુદા એટીએમ કાર્ડનો 61 વાર ઉપયોગ કરીને રૂા.10 લાખની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આરોપીઓએ વડોદરામાં પણ એક્સીસ,પંજાબ નેશનલ બેંક અને એસબીઆઈના કાર્ડનો ઉપયોગ કર્યો હતો.આરોપીઓ પાસેથી 15 મોબાઈલ, આઈ-20 કાર, ટેક્નિકલ ડિવાઈઝ અને 10 લાખ રોકડા મળીને કુલ 13.50 લાખ કબજે કર્યાં છે.