ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (12:10 IST)

ગુજરાતમાં ‘આયુષ્યમાન’ની સાથોસાથ મા વાત્સલ્ય યોજનાનો લાભ મળશે

‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’નો રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં રવિવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજાને આયુષ્યમાન યોજનાની સાથોસાથ રાજ્યની મા અને મા વાત્સલ્ય યોજનાનો લાભ પણ મળતો રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ યોજના દેશના ગરીબો માટે સોનાનો સૂરજ લાવનારી છે. 

અગાઉ ગરીબોના નામે સરકારો બની હતી, ગરીબી હટાવોના નારા લાગ્યા હતા. પરંતુ ગરીબ ઠેરનો ઠેર જ રહ્યો હતો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એવી સરકાર છે જેના હૈયે ગરીબ, વંચીત, પીડિત, ગામડું એમ સૌના સમ્યક વિકાસનું હિત સમાયેલું છે. સરકારે આરોગ્ય સુરક્ષા જ નહીં ગરીબને આવાસ તથા ગેસના કનેક્શન અને ઘરેઘરે શૌચાલય અને દરેક ઘરે વીજળી જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. 
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના દેશના 10 કરોડ પરિવારના 50 કરોડ નાગરિકોને કોઇ પણ બીમારીની સારવારમાં 5 લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડનારી દેશની મહત્ત્વપૂર્ણ જન આરોગ્ય સુવિધા યોજના છે. તેમણે કહ્યું કે 2011ની યાદીને આધારે કોઇ પણ જ્ઞાતિ- ધર્મને ધ્યાનમાં લીધા વિના સૌ જરૂરતમંદ લોકોને આ યોજનાનો લાભ મળવાનો છે. ગુજરાતમાં સવા બે કરોડ નાગરિકોને આ યોજનાનો લાભ મેળવશે.
આયુષ્યમાન ભારત યોજના 50 હજારથી ઓછી રકમની સારવાર અને 50 હજારથી વધુ રકમની સારવાર એમ બે તબક્કામાં છે તેની છણાવટ કરતા નીતિન પટેલે કહ્યું કે આ સારવાર માટે કોઇ પણ વ્યક્તિને ક્યાંય કોઇ પૈસા આપવાના નહીં રહે. સરકાર ઇન્સ્યોરન્સ કંપનીને પ્રીમિયમ ચૂકવશે અને તે સારવારનો ખર્ચ આપશે. આ યોજનામાં 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય સરકાર ભોગવશે આ પ્રસંગે યોજનાના લાભાર્થીઓને ગોલ્ડન ઇ કાર્ડ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યોજનાના એડિશનલ સીઈઓ ડૉ. ગૌરાંગ દહિયાએ કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના ભારતની હેલ્થ કેર સિસ્ટમાં અત્યાર સુધી ક્યારેય લાગુ નહીં પડી હોય એવી યોજના છે. ગુજરાતની પ્રજા માટે આ યોજના ‘આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર’ બની રહેશે. જેમાં દર્દીએ અક પણ રૂપિયો પોતાના ખિસ્સામાંથી કાઢવો નહીં પડે.