શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (12:06 IST)

ગુજરાતમાં ઠેરઠેર ભાજપના નેતાઓ ઉપવાસ પર બેઠા, ગરમી સહન ન થતાં કુલરો મંગાવ્યા

દેશમાં લોકતંત્ર બચાવો સંસદ બચાવોના સુત્રોચ્ચાર સાથે ખુદ પીએમ મોદી ઉપવાસ પર બેસી ગયાં છે. ત્યારે ભાજપના તાગડધિન્ના કરતાં નેતાઓ પણ તેમની સાથે ઉપવાસમાં જોડાઈ ગયાં છે. ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે. રાજ્યમાં પાણીની તંગીના ધજાગરા તો છે જ તેમાંય એસી વિના નહીં રહી શકતાં ભાજપના નેતાઓ હવે સાહેબો બનીને કુલરોની પાસે ઉપવાસ કરી રહ્યા છે. લોકતંત્ર બચાવોના ઉદેશ સાથે રાજ્યભરમાં આજે ભાજપ દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં ઢેબર ચોક ખાતે આજે ભાજપ દ્વારા સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું છે.

આ ઉપવાસ VVIP કક્ષાના હોય તેવો માહોલ જોવા મળ્યો છે. 8 કુલરની ઠંડક વચ્ચે સાસંદ મોહન કુંડારીયા સહિત સીએમના પત્ની અંજલીબેન ઉપવાસ પર બેઠા છે. રાજકોટમાં ઉનાળામાં પાણીની તંગી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપના ઉપવાસ કાર્યક્રમમાં આઠ કુલરોમાં પાણી નાખવા માટે રિક્ષામાં ટેન્કર મંગાવાયું છે. તેમજ સ્ટેજ પર 32 ગાદલા અને ઓશિકા રાખવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં આજે મોહન કુંડારીયાની આગેવાનીમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું છે. રાજકોટના અમુક વિસ્તારોમાં એક બેડા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા આ આયોજન અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા લોકતંત્રની હત્યાની સામે રાજ્યભરમાં આજે ભાજપ દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના મક્કાઈ પુલ ખાતે ભાજપ દ્વારા પ્રતિક ઉપવાસ ચાલું કર્યા છે. જેમાં ભાજપના મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે.

બજેટના બીજા સત્રમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ લોકસભાની કાર્યવાહી ન ચાલવા દેવાના વિરોધમાં મક્કાઈપુલ ખાતે ભાજપ દ્વારા પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીની ઉપવાસમાં જોડાવાની અપીલને લઈને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો બેનરો સાથે જોડાયા છે. ભાજપના પ્રતિક ઉપવાસમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા,  આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, સાસંદ સદર્શના જરદોષ અને ધારાસભ્યો સહિત ભાજપા કાર્યકરો જોડાયા છે. કોંગ્રેસ વિરોધી બેનરો સાથે ઉપવાસ ચાલી રહ્યા છે.