મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:31 IST)

ભાજપના નેતાઓના કહેવાથી પોલીસ ગુનેગારોને છાવરે છે', ગૃહમંત્રી જો રાજકોટમાં પોલીસ વિરુદ્ધ લોકદરબાર કરે તો ફરિયાદોનો રાફડો ફાટે: હાર્દિક પટેલ

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે નાણાં કઢાવવા ‘હવાલા’ લેતા હોવાનો આક્ષેપ કરતા ધારાસભ્ય ગોવિંદ પટેલના પત્રથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. પત્રમાં 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસની વાત છે ત્યારે આ છેતરપિંડી ક્યારે થઈ અને સમગ્ર ઘટના શું હતી તે અંગે ચર્ચા જોરશોરથી થવા લાગી છે. જોકે આ મામલે રાજ્યના ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. આ બાદ હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટ પોલીસ પર કેટલાક આક્ષેપ કર્યા છે અને તમામ અધિકારીઓ પર તાત્કાલિક કાયદાકીય પગલાં લેવા કહ્યું છે. હાર્દિક પટેલે પત્ર લખીને કહ્યું કે, સામાન્ય રીતે તો લોકોના રક્ષક તરીકે પોલીસતંત્રનું પ્રજામાં માન, સન્માન હોય છે અને હોવું પણ જોઈએ પરંતુ રાજકોટમાં અમુક અધિકારીઓનું આગમન થયા બાદ કંઈક અલગ જ સ્થિતિનું નિર્માણ પામ્યું છે અને તેનો રાજકોટની મોટાભાગની પ્રજાને કડવો અનુભવ થયો જ હશે. ક્રાઈમરેટ ઘટાવડાના ચક્કરમાં સામાન્ય લોકોને ફરિયાદ નોંધાવા માટે ભલામણો અને ધક્કાઓ ખાવા પડે અને અંતે તો ફરીયાદીને અરજીઓથી સંતોષ માણવો પડે એના પરથી સ્પષ્ટ કહી શકાય કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કેટલી હદે કથળી છે. જો સત્તાધારી પક્ષના ધારાસભ્યને સરકારના ગૃહવિભાગને ફરીયાદ નોંધવા ભલામણ કરવી પડતી હોય તો સામાન્ય લોકોની હાલત શું હશે એ વિચારી પણ ના શકાય! આજે રાજકોટની જનતાની મજબૂરી એ છે કે એ મોટાભાગના લોકો હવે પોલીસ ફરીયાદો કરવાનુ જ ટાળે છે. પત્રમાં વધુમાં લખ્યું છે કે, અમુક ઉપરી અધિકારીઓની સૂચનાથી મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં માત્ર પૈસા અને પ્રસિદ્ધી મળતી હોય તેવી જ ફરિયાદ નોંધવામાં આવે છે. હવાલા કબાલાઓ, વ્યાજખોરોનો આંતક, બુટલેગરો, ચીટરો, ગુનેગારો, બેફામ ભુમાફીયાઓને ડામવાનું પોલીસનું મુખ્ય કામ હોય છે. પરંતુ જમીનની વાસ્તવિકતા કહેતા શરમ આવે છે કે અહીંયાની સ્થિતિ સાવ ઊંધી છે. અમુક ભાજપના નેતાઓના કહેવાથી અને પોલીસ પૈસા માટે આવા તમામ ગુનેગારોને છાવરે છે અને સામાન્ય જનતા અત્યંત પીડાય છે. આ વાત અમે જ નહીં પરંતુ શાસકપક્ષના સાંસદસભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેટરોએ પણ દોહરાવી છે. હાર્દિક આગળ કહે છે, જો રાજ્ય-સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટમાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓ, સાટાગટ ધરાર કરાવી લેવા, મકાનો સોસાયટીઓ ખાલી કરવામાં પોલીસની ભૂંડી ભુમિકા, પૈસા પચાવી પાડ્યા હોય તો હવાલા લેવા, હથિયારના લાઈસન્સમાં પૈસા તોડવા, ફરિયાદ ના નોંધવાના, આરોપીને માર ન મારવાના જેવા મોટા કિસ્સાઓમાં પોલીસ વિરુદ્ધ સાચી દાનતથી ખુદ ગૃહમંત્રી રાજકોટની જનતાને અપીલ કરી લોકદરબારનું આયોજન કરે તો ફરિયાદોના રાફડો ફાટે અને અનેક પોલ છતી થશે અને ભ્રષ્ટ અમુક પોલીસ અધિકારીઓ ખુલ્લા પડી જશે. રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સુસ્થિતિ સંભાળવાની જેની જવાબદારી હોય તેવા મુખ્ય જવાબદાર વ્યક્તિ એટલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટમાં ચાર્જ લીધા બાદ ભાજપના કાર્યકર તરીકે જ કામ કર્યુ છે અને સત્તાનો દુરુપયોગ કરી એની ટોળકીએ રાજકોટની જનતાને લૂંટાવનું કામ કર્યુ છે. વિરોધપક્ષના આગેવાનો સામે ખોટી ફરીયાદો કરી ફસાવવા, દબાવવાનું કામ તેમજ ભાજપના ઇશારે અને પોલીસની મીઠી નજર હેઠળ જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનબુથો પર ઈવીએમ તોડી ભય પેદા કર્યો હતો અને એ અસામાજીક તત્વો આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. સરકારી રેકોર્ડ પ્રમાણે કાગળ પર જ સમ્રગ દેશમાં રાજકોટમાં ક્રાઈમ રેટ ઓછો છે. પંરતુ વાસ્તવિક રાજકોટમાં ક્રાઈમરેટ ગુજરાતમાં સૌથી વધુ હોય તો નક્કી ના કહેવાય.