બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (16:52 IST)

ગુજરાતમાં કપડાં થશે મોંઘાં, જાણો શું છે કારણ?

કેન્દ્ર સરકાર દ્વારા કપડાં પર જીએસટીનો દર વધારતા ગુજરાતમાં કપડાંની કિંમત 20 ટકા સુધી વધશે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારના ગારમૅન્ટ્સ પર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે, જેના કારણે કપડાંની કિંમતમાં સરેરાશ 7 ટકાથી 20 ટકા સુધીનો વધારો થશે.
 
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી ગ્રાહકો તેમજ ઉત્પાદકો બન્નેને માઠી અસર પડશે. જીએસટીનો દર વધતા કાચો માલ, જોબ વર્ક, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સહિતની તમામ કિંમતો વધશે. આથી બજારમાં મળતા રેડિમેડ ગારમૅન્ટ્સ સરેરાશ 20 ટકા મોંઘાં થશે.
 
છેલ્લા એક વર્ષમાં કોટન અને યાર્નની કિંમત સરેરાશ 60 ટકા વધી છે, જ્યારે સરકારના આ નિર્ણયની કાપડ ઉત્પાદકોને પોતાનો ધંધો વિયેતનામ તેમજ બાંગ્લાદેશ તરફ જતો રહેશે તેવો ભય સતાવી રહ્યો છે.
 
ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સની ટૅક્સટાઇલ કમિટીના ચૅરમૅન સંજય જૈને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોએ હવે કપડા ખરીદતી વખતે 7 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. છેલ્લા એક વર્ષમાં જે પ્રકારે કૉટન સહિત વિવિધ કાપડોની કિંમતમાં વધારો થતા તૈયાર કપડાંની કિંમત એમ પણ વધી હતી. જ્યારે જીએસટીમાં વધારો થતા કપડાં વધુ મોંઘાં થશે.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે લોકોને આ ભાવવધારો નહીં પોસાય, તેઓ ખરીદશે નહીં. જેથી બજારમાં કપડાંની માગ પણ ઘટશે અને નાના અને મધ્યમવર્ગના કાપડ ઉદ્યોગો પર અસર પડશે.