શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (15:25 IST)

જામનગરમાં હિન્દુ સેનાએ સ્થાપેલી ગોડસેની પ્રતિમાને કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોએ તોડી નાંખી

મહાત્મા ગાંધીના જન્મસ્થળ ગુજરાત રાજ્યમાં જ જામનગરમાં તેમના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સોમવારે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી હતી અને આજે સવારે કોંગ્રેસના કાર્યકરોએ તેને તોડી નાંખી છે. ગાંધીજીના હત્યારા ગોડસેને 10 ફેબ્રુઆરી, 1949ના રોજ ફાંસીની સજાનો ચુકાદો અપાયો હતો.15 નવેમ્બરે તેને ફાંસી આપવી દેવામાં આવી હતી.આ પ્રસંગે  જામનગરમાં હિન્દુ સેનાએ નાથુરામ ગોડસેની પ્રતિમા મુકવાની જાહેરાત 8 ઓગસ્ટે જ કરી દીધી હતી.

જોકે તંત્ર દ્વારા આ માટે મંજૂરી અપાઈ નહોતી.એ પછી જામનગરના હનુમાન આશ્રમમાં ગોડસેની પ્રતિમા સ્થાપવામાં આવી હતી.જેને લઈને રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો આજે સવારે આશ્રમ પહોંચ્યા હતા અને ગોડસેની પ્રતિમા તોડી નાંખી હતી.ધ્યાન ખેંચનારી વાત એ હતી કે, પ્રતિમા તોડતી વખતે કોંગ્રસેના નેતાઓ અને કાર્યકરોએ પણ ભગવા ખેસ ધારણ કરેલા હતા.હનુમાન આશ્રમ ખાતે સ્થાપિત કરવામાં આવેલી ગોડસેની પ્રતિમા તોડી પાડવા અંગે હિન્દુ સેનાના પ્રતીક પટેલે જણાવ્યું હતું કે અહિંસાના પૂજારી હિંસાના માર્ગે છે. કોંગ્રેસના પ્રમુખે હલકી કક્ષાનું કામ કર્યું છે. પ્રતિમાને પહેરાવવામાં આવેલો ભગવો તેમજ શ્રીરામ લખેલી શાલને પણ કચરામાં ફેંકી ધર્મનું અપમાન કર્યું છે.જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી ‘ન મરા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા’ના નારા પોકારવામાં આવ્યા હતા.

અગાઉ 8 ઓગસ્ટે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મૂકવા આયોજન કર્યું હતું. તંત્રએ પ્રતિમા મૂકવા માટે જગ્યાની ફાળવણી નહીં કરતાં સ્થાનિક હનુમાન આશ્રમમાં સોમવારે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દુ સેનાના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તથા મંદિરના મહંત સહિતના લોકોની હાજરીમાં ગોડસેની પ્રતિમા મુકાઈ હતી.