રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2019 (18:09 IST)

વાવાઝોડાનું લેટેસ્ટ અપડેટ: કેમ્પમાં રખાયેલા ત્રણ લાખ લોકોને કેશ ડોલ્સ ચૂકવાશે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારુ ખતરનાક વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું છે ગુજરાત પરથી હવે આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ પણે ટળી ગયો છે. આ સંદર્ભમાં આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને હાઇ લેવલ કમિટીની એક બેઠક મળી હતી જેમાં વાવાઝોડાની છેલ્લામાં છેલ્લી સ્થિતિ અંગેની સમીક્ષા કર્યા બાદ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે.
મીટીંગ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત પરથી સંકટ ટળી ગયું છે. વાવાઝોડુ દક્ષિણ બાજુ જતું રહ્યું છે. 10 જિલ્લાઓમાં મોકલાયેલા સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને આજે બપોર પછી પરત બોલાવી લેવાશે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેનાત કરેલી NDRFની ટીમ હજુ બે દિવસ રોકાશે તથા બહારના રાજ્યોમાંથી આવેલી ટીમ આવતીકાલે રવાના કરાશે. આજે સાંજ સુધીમાં બંધ કરેલો તમામ પ્રકારનો વાહન વ્યવહાર ફરીથી યથાવત ચાલુ કરી દેવાશે.
મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, વાવાઝોડાને કારણે લગભગ ત્રણ લાખ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું આ તમામ લોકોને આજે તેમના ઘરે મોકલી દેવામાં આવશે જિલ્લા કલેક્ટરને આ માટેની સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહીં સ્થળાંતરિત થયેલા અને કેમ્પમાં રહેલા ત્રણ લાખ લોકોને કેશ ડોલ્સ પણ ચુકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના લોકોને રોજના રૂપિયા 60 લેખે જ્યારે તેનાથી નાના લોકોને રોજના રૂપિયા 45 લેખે એમ ત્રણ દિવસ સુધીની રકમ ચૂકવાશે.
ત્રણ લાખ લોકોને અંદાજે સાડા પાંચ કરોડ જેવી રકમ ચૂકવાશે આવતીકાલથી નિયમિત રીતે સ્કૂલ પણ ચાલુ થઇ જશે ગુજરાત મોટા સંકટમાંથી ઉગરી ગયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, આફત સામે લડવાની તૈયારીઓનો અનુભવ ગુજરાતને મળ્યો છે ભવિષ્યમાં તે અનુભવ કામમાં આવશે. હવામાન ખાતાએ પણ સતત ધ્યાન દોર્યું હતુ તે બદલ તેમનો હું આભાર માનું છું. સ્વૈચ્છિક સંસ્થા અને સંગઠનોએ પણ સારૂં કામ કર્યું છે. આવતીકાલથી જુદા-જુદા પોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ પણ શરૂ થઈ જશે.