નિતિન પટેલની ખાનગી લેબવાળાઓને આપી ચેતાવણી, નાગરિકો વધુ ચાર્જ લેશો તો કડકમાં કડક કાર્યવાહી કરાશે
સમગ્ર દેશ આજે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાજ્યના નાગરિકોને ઉત્તમ સારવાર પૂરી પાડવી એ અમારી પ્રાથમિકતા છે. રાજ્યમાં જે કોરોનાના કેસો છે તે પૈકી ૭૦ ટકા કેસો અમદાવાદ શહેરમાં છે જેને ધ્યાને લઇને અમદાવાદ શહેરમાં નાગરિક કે જેમને શંકાસ્પદ લક્ષણો જણાતા હોય અને ખાનગી તબીબો પાસે સારવાર લેવા જાય ત્યારે એમ.ડી. કે તેથી ઉપરની કક્ષાના નિષ્ણાંત તબીબોને લાગે કે આ દર્દીને કોરોનાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે તો તેવા દર્દીઓ આ તબીબોની ભલામણના આધારે ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે એવો મહત્વનો નિર્ણય નાગરિકોના આરોગ્યના હિતમાં રાજ્ય સરકારે કર્યો છે. આ માટે શહેરના ૧૪૦૦થી વધુ એમ..ડી, ફિજીશ્યન નિષ્ણાંત તબીબો જે ખાનગી પ્રેકટીસ કરી રહ્યા છે તે ભલામણ કરી શકશે અને એમની ભલામણના આધારે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવી શકશે. જેની જાણ આ તબીબોએ રાજ્ય સરકારને ઇ-મેઇલ દ્વારા કરવાની રહેશે.
કોરોનાની મહામારી સામે નાગરિકોને ઉત્તમ સારવાર આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને જે કોર કમિટીની બેઠક યોજાય છે એમાં આ નિર્ણય લેવાયો છે. એ જ રીતે શહેરના ૧૦થી વધુ નિષ્ણાંત ખાનગી તબીબોની જે એક્ષ્પર્ટ કમિટીની રચના કરવામાં આવી છે. તેમની પણ મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. તેમાં પણ આ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોરોનાના ટેસ્ટ માટે સિવીલ હોસ્પિટલ, અમદાવાદ, સોલા હોસ્પિટલ, અમદાવાદ અને શહેરના અર્બન હોસ્પિટલોમાં આ ટેસ્ટ કરાવવામાં આવતા હતા. હવેથી આ નિષ્ણાંત તબીબો જે ખાનગી પ્રેકટીસ કરે છે તેમને સારવાર માટે આવતા દર્દીઓમાં કોરોનાના લક્ષણ જણાય તો તેઓ ભલામણ કરશે અને એમની ભલામણના આધારે ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. જે અંગે આજે નોટીફીકેશન બહાર પાડવામાં આવશે અને આજથી એનો અમલ શરૂ થશે.
નાગરિકો અને દર્દીઓના પરિવારજનો દ્વારા રજૂઆતો મળે છે કે, કોરોનાની મહામારીમાં ખાનગી હોસ્પિટલોના સંચાલકો નાગરિકોની લાગણીનો દુરૂપયોગ કરીને તગડી ફી વસુલે છે એવા સંચાલકોને હું ચેતવણી આપું છું કે, આ મહામારીના સમયે નાગરિકોને કોઇપણ ખાનગી હોસ્પિટલો રૂમનું ભાડું, વેન્ટીલેટરનું ભાડું સહિત અન્ય ચાર્જમાં નફાખોરી કરીને વધુ પૈસા નાગરિકો પાસેથી વસુલશે તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
માત્ર કોરોના મહામારી સુધી નહીં પરંતુ કાયમી ધોરણે આ પ્રક્રિયા ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અંતર્ગત રાજ્ય સરકારને બહોળી સત્તાઓ મળી છે ત્યારે જો વધુ નાણાં લેવા અંગે ફરીયાદો મળશે તો આવી હોસ્પિટલોને સીલ કરી દેવા સહિતની કડક કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. આ સંદર્ભે નાગરિકોને કોઇ ફરીયાદ હોય તો તેઓ મારા કાર્યાલયમાં સીધી મને ફરીયાદ કરી શકે છે.
કોરોના સામે અપાતા ટોસિલીઝુમેબ ઇન્જેકશન દેશભરમાં મર્યાદિત સંખ્યામાં પ્રાપ્ત છે ત્યારે મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં રહીને જરૂરીયાતમંદ દર્દીઓને આ ઇન્જેકશન પૂરા પાડવા માટે વિનામૂલ્યે ઇન્જેકશન આપવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના જે દર્દીઓ પોઝીટીવ અને દાખલ છે તેવા દર્દીઓની વિગતો માટે ડેશબોર્ડ પણ કાર્યરત કરી દેવાયું છે. જેના લીધે દર્દીનું સ્ટેટસ જાણી શકાય.
રાજ્યમાં જે દર્દીઓના મૃત્યુ થાય છે એ માત્ર કોરોનાના કારણે થાય છે એવું નથી. કોરોના એક કારણ હોઇ શકે છે. જે દર્દીઓ કો-મોર્બીડ હોય છે એવા લોકોના મૃત્યુ ઝડપથી થાય છે. જેમને કેન્સર, હૃદયરોગ, કિડની, શ્વાસ લેવામાં તકલીફ હોય, ડાયાબીટીશ કે અન્ય બિમારી જે અગાઉથી જ હોય છે જેના લીધે એ નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે જેના પરિણામે તેમના મૃત્યુ થવાની સંભાવના વધી જતી હોય છે આમ ફકત કોરોનાના કારણે મૃત્યુ થયા હોય એવા દર્દીઓની સંખ્યા મર્યાદિત છે