1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 માર્ચ 2020 (14:45 IST)

રાજય મંત્રીમંડળના તમામ સભ્યો એક માસનો પગાર કોરોના અટકાવવા સંદર્ભે મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકિમે જણાવ્યું છે કે, કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજય સરકાર દ્વારા ખાસ કરીને જયાં કોરોના વાયરસના જે વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ મળ્યા છે તેવાં વિસ્તારમાં ૩૦ લાખથી વધુ નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ કરાયું છે. જયારે આગામી બે સપ્તાહમાં રાજયભરના તમામ નાગરિકોને સર્વેલન્સ-ટ્રેકિંગ હેઠળ આવરી લેવામાં આવશે. 
    
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની કોર કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણયોની માહિતી આપતા અનિલ મૂકીમે ઉમેર્યું હતું કે, કોરોના વાયરસ સંદર્ભે નાગરિકોને સહાયરૂપ થવા અને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે રાજય મંત્રીમંડળના તમામ સભ્યોએ એક માસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપશે. આ માટે રાજયમાં સેવા આપતી સંસ્થાઓ, વાણિજય સંગઠનો સહિત જે દાતાઓ દાન આપવા ઈચ્છતા હોય તેમને મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા માટે રાજય સરકારે અનુરોધ પણ કર્યો છે.
 
અનિલ મૂકીમે ઉમેર્યું કે, રાજયના નાગરિકોને ત્વરીત આરોગ્ય સેવા પૂરી પાડવા માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો-દવાખાનાઓમાં OPD રાબેતા મુજબ ચાલુ રહેશે. આ માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ખાનગી તબીબોને પણ સારવાર માટે વિનામૂલ્યે OPD ચાલુ રાખવા અપીલ કરાઈ છે. 
 
અનિલ મૂકીમે જણાવ્યું હતુ કે, આજે રાજ્યમાં કોરોનાના ૧૧૦ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા તે પૈકી ૯૫ કેસનું ટેસ્ટિંગ પૂર્ણ કર્યું છે જેમાંથી ૯૩ કેસ નેગેટિવ આવ્યા છે જયારે બે કેસ પોઝિટિવ આવ્યા છે. તેમજ અન્ય કેસના રિપોર્ટ આવવાના બાકી છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. તે બંને કેસ રાજકોટ શહેરના છે. જેમાં એક કેસ વિદેશની હિસ્ટ્રી છે અને એક કેસ સ્થાનિક છે. રાજયમાં આજની સ્થિતિએ કોરોનાના કુલ-૩૫ કેસ પોઝિટિવ છે.