ગુજરાત મેડિકલ ટીચર્સ એસો. અને ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સ એસો. દ્વારા રાજ્યભરમાં આંદોલન
ગુજરાત મેડિકલ ટીચર્સ એસો. અને ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સ એસો. દ્વારા રાજ્યભરમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે રાજકોટ PDU મેડિકલ કોલેજ ખાતે ડોક્ટરો દ્વારા આજે ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે હોસ્પિટલ કેમ્પસ ખાતે રેલી યોજી ઉગ્ર સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ મેડિકલ કોલેજના 180 તબીબી શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 150 સરકારી તબીબો મળીને કુલ 330 તબીબો સંયુક્ત થઈને આંદોલનની શરૂઆત કરી છે જેનો આજે ત્રીજો દિવસ છે. તબીબોની માંગ છે કે, ગત તારીખ 16.5.21નાં રોજ અગાઉની સરકારે તબીબી શિક્ષકોની 12 મુદાની માંગણી મંજુર કરતો એક ઠરાવ કરેલ હતો. પરંતુ 6 મહિના વિત્યા હોવા છતાં 9 માંગણીઓમાં તો કોઈ જ કાર્યવાહી થયેલ નથી. આ માંગણીઓમાં એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 15% સિનિયરનો લાભ આપવો વગેરે એક પણ કામ આરોગ્ય વિભાગ દ્વારા કરવા માં આવેલ નથી.
તદઉપરાંત તાજેતર માં તા. 22.11.2021 ના રોજ એક નવો ઠરાવ કરેલ છે. જેમાં મહતમ પગાર 2,37,500/ થી ઘટાડી 2,24,500/- કરેલ છે અને આ જ ઠરાવમાં 2012 મોદી સાહેબની સરકારે આપેલ પર્સનલ પે નો લાભ પણ પરત લીધેલ છે. તા. 22.11.2021 ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા એક જ નંબર ના 3 ઠરાવ કરી ને ગુજરાત ના તમામ તબીબો માટે આ મહતમ પગાર ની મર્યાદા 2,24,500 કરેલ છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારથી શરૂ થયેલા તબીબી શિક્ષકોના વિરોધે નવી સરકારનાં મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ પાસે તત્કાલીન મુખ્યમંત્રીએ કરેલા ઠરાવ મુજબની માંગણી સંતોષવા રજુઆત કરી છે જે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.