મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (15:45 IST)

છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં દિપડાએ 109 મગરમચ્છોએ 45 તથા સિંહોએ 13 લોકોનો ભોગ લીધો

એશિયાઈ સિંહોનું રહેઠાણ ધરાવતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાવજ કરતા દિપડાનો આતંક વધુ છે. વનવિભાગનો આંકડાકીય રિપોર્ટ એવું સૂચવે છે કે છેલ્લા આઠ વર્ષમાં દિપડાએ 109 લોકોનો ભોગ લીધો છે. ગુજરાતમાં વન્યપ્રાણી શ્રેણી 1 અને 2માં આવતા પશુઓથી મોતનો કુલ આંકડો 176 છે તેમાંથી 62 ટકા મોત દિપડાના હુમલામાં થયા છે. વન્ય પ્રાણીના હુમલાથી આઠ વર્ષમાં કુલ 1297 લોકો ઘાયલ થયા હતા. 2012-13થી 2019-20ના આઠ વર્ષના આંકડા એવું સૂચવે છે કે દિપડાના આતંકથી 109 લોકોએ જાન ગુમાવ્યા હતા. જયારે બીજા ક્રમે મગરમચ્છોએ 45 માનવીઓનો શિકાર કર્યો હતો. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મગરમચ્છોની મોટી સંખ્યા છે. સાવજોના હુમલામાં 13 લોકોના મોત થયા છે.વનવિભાગ દ્વારા માનવી-વન્યપ્રાણીઓ વચ્ચે ઘર્ષણનો આંકડાકીય રિપોર્ટ રાખવામાં આવે છે. ઝાડ પર ઉછળકુદ કરતા વાંદરાને કારણે પણ એક માનવીનું મોત થયું છે. વાઈલ્ડલાઈફ નિષ્ણાંત એચ.એસ.સિંઘે જણાવ્યું હતું કે સાવજ-દિપડા વસતી વધારા સાથે માનવવસાહતથી વધુ નજીક આવી ગયા હોવાના કારણોસર હુમલાના બનાવો વધ્યા છે. 2017માં દિપડાની વસતી ગણતરી કરવામાં આવી હતી. 1395 દિપડા હોવાનો આંકડો જાહેર થયો હતો. જો કે બીન સતાવાર રીતે 3000 દિપડા હોવાનો અંદાજ છે. સિંહોની વસતી ગણતરી 2015માં થઈ હતી ત્યારે 523ની સંખ્યા જાહેર થઈ હતી હવે તે એક હજારથી વધુ હોવાનો અંદાજ છે. રાજયમાં દિપડા તથા મગરમચ્છના હુમલાના બનાવો વધ્યા છે. છેલ્લા બે માસમાં જ દિપડાએ પાંચ માણસોને ફાડી ખાધા છે તેમાં ત્રણ અમરેલીમાં તથા એક-એક વલસાડ-ભરૂચમાં બનાવ બન્યા હતા. મગર મચ્છને લાગેવળગે છે ત્યાં સુધી વડોદરાની વિશ્ર્વામિત્રી નદીમાં જ 260 છે. 2015માં 6 માણસોનો ભોગ લીધો હતો.