ગુજરાતના 48 વિસ્તારો હવે સંપૂર્ણ રીતે લોક ડાઉન હેઠળ
કોરોનાના વધતા જતા ઉપદ્રવને પગલે ગુજરાતના પાંચ મહાનગરોના ૪૮ વિસ્તારો હવે ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ એટલે કે 'સંપૂર્ણ લોકડાઉન' હેઠળ છે અને તેમાં કુલ ૧.૫૫ લાખની વસતી છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેર વિસ્તારમાં જોવા મળેલા કોરોના પોઝિટીવ દર્દીઓના ક્લસ્ટરને પગલે રાજ્ય સરકારે આ વિસ્તારમાં ક્લસ્ટર કન્ટેઇનમેન્ટની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત સઘન સર્વે હાથ ધરી હાઇ રિસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેઓના નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવે છે. 'અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૩૨ વિસ્તાર ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ હેઠળ છે અને તેમાં ૨૪૬૭૪ની વસતી છે. જોકે, વસતીની રીતે સુરતમાંથી સૌથી વધુ ૯૭૯૮૬ લોકો ક્લસ્ટર કન્ટેન્મેન્ટ હેઠળ છે. ક્લસ્ટર કન્ટેઇન્મેન્ટ હેઠળના વિસ્તારોમાં સંપૂર્ણ તાળાબંધી જેવા નિયંત્રણો લાદવામાં આવે છે. સોમવારે સાંજ સુધી ગુજરાતમાં કુલ ૧૫ વિસ્તારો ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ હેઠળ હતા. જેમાં અમદાવાદના ૮, સુરતના ૩ તથા વડોદરાના ૨-૨ વિસ્તારોનો સમાવેશ થતો હતો. આમ, ૨૪ કલાકમાં ૩૩ વિસ્તારો ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ હેઠળ આવી ગયા છે.