બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (17:39 IST)

વિશ્વમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની રહ્યો છે

મુંદ્રા બંદરેથી પકડાયેલું 21 હજાર કરોડનું 30 હજાર કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઊતરવાનું હતું એવી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ સત્તાવાર સૂત્રો સ્પષ્ટપણે જણાવે છે કે વિશ્વ સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે. આ બાબતથી દેશની એજન્સીઓ અને ગુજરાત ATS સતર્ક હોવાથી છેલ્લાં પાંચ જ વર્ષમાં 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સમાફિયા આયોજનબદ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતનાં બંદરો પર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે.

ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફત આ જથ્થો દેશના બીજા ખૂણામાં પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. એમાં રાજ્યના એક કે બે બંદર નહીં પણ કુલ 42 બંદરમાંથી કોઈપણ બંદરનો ઉપયોગ થઈ શકે છે, એવું જાણકારોનું માનવું છે. અત્યારસુધીમાં મુંદ્રા બંદરેથી 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ જથ્થો ગુજરાત માટે દિલ્હી કે મુંબઈ કે દેશના અન્ય રાજ્ય માટે હોવાની વાતો થઈ રહી છે. સત્તાવાર સુત્રો નામ નહીં જણાવવાની શરતે કહે છે કે, ડ્રગ્સનો આ જથ્થો દેશના અન્ય રાજ્યમાં જવાનો હતો એ ચોક્કસ છે. પણ ગુજરાત કે દેશના બીજા રાજ્યમાં જ આ ડ્રગ્સનો ઉપયોગ થવાનો હતો તે ચોક્કસપણે કહી ના શકાય. કારણ કે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના બંદરોનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરતાં થયાં છે.

90 ટકા ડ્રગ્સનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. અફઘાનિસ્તાનમાં દરિયો ન હોવાથી ઈરાન સહિતના અરેબિયન કન્ટ્રીના બંદર અને પેઢીઓમાંથી ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી થાય છે. તાજેતરમાં જ ગુજરાતના મુંદ્રાથી પકડાયેલું ડ્રગ્સ હોય કે પોરબંદરમાંથી પકડી પડાયેલો ડ્રગ્સનો જથ્થો હોય, આ તમામ જથ્થો ગુજરાતમાં આવ્યો પણ ખપત થવાની નહોતી. અધિકારી સૂત્રો કહે છે કે, ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરી રહ્યાં છે. ખાસ કરીને ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા 42 બંદરોમાંથી 17 નોન-મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન કન્ટ્રીમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે. ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારની કોઈ પેઢીમાં જાય છે. આ કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે.

ભારતથી સામાન એક્પોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે - તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે. ગુજરાતના બંદરો ઉપર એકસ્પોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકીંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત એટીએસ સતર્ક બની છે. આ પછી એટીએસ સાથે કોસ્ટ ગાર્ડ, નેવી સહિતની એજન્સીઓ સંકલિત કામગીરી કરવા લાગી છે. હવે, ડીઆરઆઈ અને કસ્ટમ્સ જેવી એજન્સીઓ પણ સક્રિય બની છે. ભારત 7500 કિલોમીટરની કોસ્ટલાઈન ધરાવે છે અને 200 મેજર- નોનમેજર પોર્ટ છે. આ પૈકીના 12 મેજર પોર્ટ ઉપર જ 60 ટકાથી વધુ ટ્રાફિક છે. જો ગુજરાત અને દેશની એજન્સીઓ સંયુક્ત કાર્યવાહી કરશે તો વિશ્વને ડ્રગ્સના દુષણમાંથી મુક્તિનો નવો અધ્યાય આલેખાઈ શકે છે.