ભાજપના પૂર્વ પંચાયત મંત્રી જ્યંતીભાઈ કવાડીયાએ રૂ.9 કરોડનું જમીન કૌભાંડ આચર્યુ
હળવદમાં સીંચાઇ કૌંભાંડમાં ભાજપે ધારાસભ્ય પરસોતમ સાબરીયાને પક્ષમાં લઇને ઘીના ઠામમાં ઘી પાડી દીધુ છે. ત્યારે હળવદ વિધાનસભામાંથી ચૂંટાયેલા અને ભાજપ સરકારમાં પંચાયત મંત્રી રહી ચૂકેલા જયંતીભાઇ કવાડિયાએ કથીત જમીન કૌભાંડ આચર્યુ હોવાની વિગતો બહાર આવી છે. માનગઢમાં આઝાદી પછીના સમયથી જમીન ખેડતા ખેડૂતોની રૂ.9 કરોડની 375 વિઘા જમીન જયંતીભાઇ કવાડિયાએ પોતાના પુત્ર અને મળતીયાઓના નામે કરાવી હોવાનો ખેડૂતોએ ભાંડો ફોડ્યો છે. દેશના ભાગલા બાદ માનગઢ ગામમાં રહેતા અહેમદ ઘાંચી અને આદમ ઘાંચી પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. અને જમીન સગા-સબંધીને આપતા ગયાં હતા. 50 વર્ષથી આ જમીન ગામના 10થી વધુ વ્યક્તિઓ ખેડે છે. પરંતુ તાજેતરમાં તપાસ કરતા આ જમીન મૂળ માલિકના ખોટા વારસદાર ઉભા કરીને તેમના નામે ખોટી વારસાઇ કરી જયંતી કવાડિયાએ કૌભાંડ આચર્યું હોવાનુ્ં સામે આવ્યું છે.