ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (16:41 IST)

પિયરમાં રહીને આવેલી પત્નીને પતિએ HIV ટેસ્ટ કરાવવા દબાણ કર્યું, સાસરિયાઓએ મહિલાને ફટકારી દાગીના પડાવી લીધાં

ખેડામાં રહેતા સાસરિયાઓએ કારંજની એક પરિણીતાને દહેજ લાવવાનું કહી માર મારી ત્રાસ આપ્યો હતો. આટલું જ નહીં, એકવાર મહિલા તેના પિયરમાંથી પરત આવી ત્યારે તેણીની મરજી વિરુદ્ધ પતિએ HIV ટેસ્ટ કરાવવાનું કહેતા મહિલાના મગજ પર ગંભીર અસર પણ થઈ હતી. મહિલાએ ત્રિપલ તલાક આપનાર પતિ સહિતના લોકો સામે અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે કારંજ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2008માં ખેડા જિલ્લામાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના સાત વર્ષ બાદ પતિ કામધંધો ન કરીને પરિણીતાને ત્રાસ આપતો હતો. બીજી બાજુ સાસુ પરિણીતાને કહેતા કે, કામ ધંધા અર્થે મારા છોકરાને તારે કંઇ કહેવાનું નહીં અને પિયરમાંથી દહેજ લાવવા માટે દબાણ કરતા હતા. જેઠ પણ પરિણીતાને કહેતો કે, તારી માએ મારા ભાઇને ખોટી બલા પકડાવી દીધી છે.  એક દિવસ સાસરિયાઓએ પરિણીતાને કહ્યું કે, તારા કરતા અમારા દીકરાને સારી કન્યા મળતી હતી અને દહેજમાં 100 તોલા સોનાના દાગીના મળતા હતા તેમ કહીને દહેજ લાવવા દબાણ કરતો હતો. થોડા દિવસ માટે પરિણીતા પિયરમાં બાળકો સાથે રહેવા ગઇ હતી. ત્યાંથી પરત સાસરીમાં આવી ત્યારે પતિએ તેણે કહ્યું કે, તું એચઆઇવી ટેસ્ટ કરાવી દે. બીજી બાજુ, પરિણીતાના દાગીના પતિએ લઇ લીધા બાદમાં સાસરિયાઓએ વેચી દીધા હતા. પરિણીતાએ પોતાના સંતાનોને દૂધ અને નાસ્તો પહેલા આપતા પતિ ઉશ્કેરાઇ જઇને બીભત્સ શબ્દો બોલીને મારઝૂડ કરતો હતો. પતિએ પરિણીતાને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પરિણીતાએ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત નવ સામે ફરિયાદ નોંધાવી છે.