ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (16:21 IST)

કઠલાલ તાલુકાના પાર્થ વ્યાસે બીજબોલ બનાવી આદર્યો નવતર પ્રયોગ, આવનારી પેઢીને તે ઘણી ઉપયોગી થશે

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પાર્થ વ્યાસએ કોરોના મહામારીમાં ઓક્સિજનની તીવ્ર અછત વખતે સૌ કોઇને જીવનદાતા એવા વુક્ષોનું મહત્વ સમજાયુ છે. એ દિશામાં કઠલાલ તાલુકાના પાર્થ વ્યાસે પાપા પગલી નહી પણ હરણફાળ ભરી છે. અલગ -અલગ વનસ્પતિના ૧૫થી ૨૦ હજાર બીજબોલ તૈયાર કર્યા. ૩૦ દિવસમાં ભારે જહેમત કરી જાતે આ બીજબોલ તૈયાર કર્યા છે. વિવિધ પ્રકારના બીજ એકત્ર કરી નવતર પ્રયોગ કર્યો છે. 
વિવિધ પ્રકારના બીજમાં લીમડો, આસોપાલવ, જાંબુ, અર્જુન, સાદડ, બોરસલી, ગરમાળો, ખારેક, સિંદુર, શ્રીપર્ણી, તુંબડી, ચણોઠી, આમલી, આંબળા, પુત્રજીવા, આંબાનો સમાવેશ થાય છે. ખેતરની માટી, ગાયનું છાણ અને ચુલાની રાખ સાથે પાણી મેળવી ગોળો બનાવી તેમાં વચ્ચે બીજ ખોસી દઇ ફરી આખો ગોળો વાળી સુકવીને આ બીજબોલ તૈયાર થાય છે. જે ઉજ્જડ અને વેરાન જગ્યા, ગૌચરની પડતર જગ્યા, નદી, તળાવો, ભેખડો કે કોતરોમાં ઉપયોગ થાય છે.
 
પાર્થ વ્યાસ જણાવે છે કે, આપણે જોયું તેમ હમણા જ તાઉતે નામનું વાવાઝોડુ આવ્યું એ સમયે અડીખમ ઉભેલા વુક્ષો પણ પડી ગયા અને અને મોટા ભાગના વુક્ષોનો નાશ થયો એ સંદર્ભે મને વિચાર આવ્યો કે આપણે વધુમા વધુ વુક્ષોની જાળવણી કરવી જોઇએ. કારણ કે વુક્ષો જ આપણી પ્રકુતિનો મુખ્ય આધાર છે. મે સૌપ્રથમ આ સીડબોલ વિશેની માહિતી સોશ્યલ મિડિયા પરથી લીધી હતી તેના વિશે બધુ જાણ્યું. વર્મી કંપોઝ ખાતર અથવા છાણીયું ખાતર માટીમાં સપ્રમાણ પાણી દ્રારા મિક્ષ કરવાનું હોય છે. તેનો એક બોલ બનાવવાનો અને બોલની મધ્યમાં જ બીજ રાખવાનું તેમજ આ બીજબોલને ૨,૩ દિવસ માટે સુર્ય પ્રકાશ ન આવે તેવી જગ્યાએ રાખવું. 
સીડબોલ સુકાયા પછી તેને કોઇપણ ફળદ્રુપ જમીનમાં ફેકીશું ત્યારબાદ વરસાદનું પાણી અડતા તે બીજ ફુટી નિકળશે. તે બીજબોલને વરસાદનું પાણી અડતા ૫ જેટલા દિવસમાં નાનો છોડ તૈયાર થઇ જશે અને ભવિષ્યમાં વિશાળ વુક્ષો બનશે.
 
 મે ૧૫ થી ૨૦ હજાર આવા સિડબોલ તૈયાર કર્યા છે અને અમદાવાદ નેશનલ હાઇવે પર ફેંક્યા છે. હવે અમે આયુર્વેદિક વનસ્પતિ વિશે જાણકારી મેળવી રહ્યા છે જે અત્યારના સમયમાં લુપ્ત થવાના આરે છે તેથી હવે અમે આયુર્વેદિક વનસ્પતિના સિડબોલ બનાવશું જેથી આવનારી પેઢીને તે ઘણી ઉપયોગી થશે.