ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કંમ્પાઉન્ડમાં દારૂનું વેચાણ થતું હતું, પોલીસે પાંચ લાખનો દારૂ ઝડપી પાડ્યો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દવાની સાથોસાથ વિદેશી દારૂનું પણ વેચાણ થતું હોવાના સૌના આશ્ચર્ય વચ્ચે વરના કારમાં દારૂની હાટડી ખોલીને બેઠેલા બે યુવાનોને સેકટર-7 ડી સ્ટાફ દ્વારા પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ 59 નંગ વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન અને કાર મળીને કુલ. રૂ 5.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા માટે સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે સારવાર અને દવાની સાથે સિવિલ હોસ્પિટલ ખાતે વિદેશી દારૂની પણ હાટડી ખુલી ગઈ હોવા છતાં સિવિલ તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી ગયું હોવાનું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સીસીટીવી કેમેરા નહીં હોવાના કારણે વાહન ચોરી, દારૂની મહેફિલ સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલીફાલી છે.થોડા વખત અગાઉ જ રાત્રીના સમયે યુવતીઓની છેડતી થતી હોવાનો વીડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા સુધી ફરિયાદ પહોંચી હતી જેના પગલે પોલીસે રાત્રીના સમયે જ સિવિલ કેમ્પસમાં ધોંશ બોલાવી દીધી હતી. સિવિલ કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં તસ્કરો બેખોફ રીતે વાહનોની ચોરી કરીને નાસી જતાં હોવાના બનાવો પોલીસ મથકમાં છાશવારે નોંધાતા રહેતા હોય છે. ત્યારે નધણિયાતા સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જ કારમાં દારૂની હાટડી ખુલી ગઈ હોવાનો કિસ્સો સેકટર 7 પોલીસ મથકના ચોપડે નોંધવા આવ્યો છે.સેકટર-7 પોલીસ મથકના પીઆઈ સચિન પવાર દ્વારા ભૂતકાળની ઘટનાઓને ધ્યાને રાખી સ્ટાફના માણસોને અત્રે સઘન પેટ્રોલિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે ગઈકાલે રાત્રિના સમયે ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુરપાલસિંહ બળવંતસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આવેલી નવી બિલ્ડીંગના કોરોના વોર્ડ પાસેના પાર્કિંગમાં કારમાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાં પગલે ડી સ્ટાફના માણસોએ તુરંત સિવિલ કમ્પાઉન્ડમાં રેડ કરીને લાલ કલરની વરના કારને કોર્ડન કરી બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કારની તલાશી લેતાં ડેકીમાંથી 59 નંગ બોટલો ભરીને વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.પોલીસે આકાશ બુધાભાઈ ઠક્કર (રહે. દિવા લી એલીગન્સ ન્યુ ચાંદખેડા) તેમજ નિજાત્મા ભુપેન્દ્રભાઈ શાહ (રહે આટાવાળો વાસ વાવોલ)ની ધરપકડ કરી હતી. સિવિલમાં દારૂની હાટડી ખોલનાર બન્ને યુવાનો પાસેથી પોલીસે વિદેશી દારૂની 59 નંગ બોટલો, મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ રૂ. 5 લાખ 35 હજાર 460નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.