શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (14:50 IST)

AICCના ડેલિગેટ લિસ્ટથી એવું લાગે છે કે કોંગ્રેસ જ નથી ઈચ્છતી કે તે સત્તામાં આવે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી ગુજરાત મોડલથી કોંગ્રેસને દેશભરમાં ફરી એકવાર સશક્ત કરવાનો પ્રયત્ન કરે તેમ લાગી રહ્યું છે, પરંતુ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)ના ગુજરાતના પ્રતિનિધિઓની યાદી કંઈક અલગ જ ચિત્ર ઉભું કરે છે. ગુજરાતના 68 પ્રતિનિધિઓમાંથી 21ને પાર્ટીએ ક્યારેય ટિકિટ નથી આપી અને 15 એવા છે જે પાછલા 10 વર્ષમાં એક પણ ચૂંટણી નથી જીતી શક્યા.

આ સિવાય 22 કો-ઓપ્ટેડ મેમ્બર્સની વાત કરવામાં આવે તો, તેમાંથી 13 સભ્યોને ક્યારેય ચૂંટણીમાં ટિકિટ નથી મળી અને બે સભ્યોએ તાજેતરમાં થયેલી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટુંકમાં, AICCના ગુજરાતના કુલ 90 સભ્યોમાંથી, 55ને ક્યારેય પાર્ટી ટિકિટ નથી મળી. ગુજરાતના AICCના પ્રતિનિધિઓ જેમ કે નરેશ રાવલ, સાગર રાયકા, ધીરુ ગજેરા, વિજય દવે, ચંદ્રિકા ચુડાસમા, કરસનદાસ સોનેરી, નિશિત વ્યાસ, મૌલિન વૈષ્ણવ, ગૌરવ પંડ્યા, ગુણવંત મકવાણા, હિમાંશુ વ્યાસ, રાજેન્દ્રસિંહ પટેલ અને અલકા ક્ષત્રિય- આ નામ જ એવા છે જેમને કોંગ્રેસના કાર્યકરો નામથી ઓળખે છે.

તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં નરેશ રાવલને ગુજરાતના શહેરી વિસ્તારો માટે ઈલેક્શન કો-ઓર્ડિનેશન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, પરંતુ પાર્ટી મુખ્ય ચાર શહેરોમાં જ સીટો જીતવામાં નિષ્ફળ સાબિત થઈ હતી. દલિત નેતા અને પૂર્વ સ્પીકર કરસનદાસ સોનેરીને વર્કિંગ પ્રેસિડન્ટ નિમણુક કરવામાં આવ્યા હતા, પરંતુ દલિત વોટબેન્ક રીઝવવામાં તે પણ નિષ્ફળ સાબિત થયા હતા. ઉભરતા નેતાઓ જેમ કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ જે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રુપાણી સામે ઉભા હતા, નરેન્દ્ર રાવત તેમણે વડોદરામાં નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી નોંધાવી હતી, MLA સી.જે.ચાવડા, હેમાંગ વસાવડા, ડોક્ટર અનિલ જોશિયારા, સુરેશ પટેલ, નૈશધ દેસાઈ અને સુનિલ જિકારના નામ આ યાદીમાં શામેલ કરવામાં નથી આવ્યા. AICCની યાદીમાં ઓછા અનુભવ વાળા અને કાર્યરત ન હોય તેવા નેતાઓને શામેલ કરવા બાબતે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી કહે છે કે, પાર્ટીમાં તેમનું યોગદાન, મહેનત અને શિસ્તને ધ્યાનમાં રાખીને આ પ્રતિનિધિઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે. બની શકે કે તેમાંથી ઘણાં નેતાઓએ ચૂંટણીનો અનુભવ નથી, પરંતુ તેમણે પાર્ટીના હિત માટે અલગ અલગ પ્રકારે કામ કર્યા છે. પાછલા 20 વર્ષથી ગુજરાત કોંગ્રેસ માટે કામ કરી રહેલા એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, લિસ્ટ જોઈને જણાઈ રહ્યું છે કે સીનિયર પાર્ટી નેતાઓએ પોતાના પસંદગીના લોકોને તક આપી છે. ક્વૉટા સિસ્ટમ જેના અંતર્ગત ટીકિટ આપવામાં આવે છે અને અન્ય મહત્વની નિમણુક પણ કરવામાં આવે છે, તે હજી પણ સિસ્ટમમાં જીવંત છે. લાગી રહ્યું છે કે લોકો કોંગ્રેસને લાવવા માંગે છે, પરંતુ પાર્ટીના નેતાઓ જ નથી ઈચ્છતા કે કોંગ્રેસ સત્તામાં આવે.