શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (14:49 IST)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ આગેવાનોના સગાઓને ટિકિટ નહીં આપે, 60 પ્લસ અને ત્રણ ટર્મ વાળા ઘરભેગા થશે

આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે. જેમાં ભાજપ ભાઈ, ભાણીયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. આજથી ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. આજે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે, પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય એમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગા-સંબંધીઓને ટિકિટ આપવી નહીં. પ્રદેશ ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં 6 મહાનગર પાલિકાના વિસ્તાર તેમજ પંચાયત અને નગરપાલિકાના વિસ્તારમાં ત્રણ ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી. કાર્યકર્તાઓ પાસેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ પ્રત્યેક વોર્ડ દીઠ 16 નામોની યાદી તૈયાર કરી છે. પ્રત્યેક વોર્ડ દીઠ પેનલ બનાવવામાં આવી છે, જેની યાદી સુપરત કરી દેવામાં આવી છે. આ યાદીની ચર્ચા માટે જે તે શહેર, પંચાયત, નગરપાલિકા વિસ્તારના સાંસદ,ધારાસભ્ય, પ્રમુખ અને મહામંત્રી સહિતનાને હાઇકમાન્ડે તેડું મોકલવામાં આવ્યું છે. તમામ સાથે ચર્ચા વિચારણાના અંતે 16 નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેના પર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. દરરોજ બે મહાનગરપાલિકાને બોર્ડ સાંભળશે અને ચોથી ફેબ્રુઆરીએ ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરાશે. ભાજપ આ વખતે મહત્તમ યુવા ઉમેદવારોને પ્રાધાન્ય અપાય તેવી શક્યતા છે. મહદ્અંશે બેઠકમાં આખરી ફાઈનલ થયેલી યાદી જ દિલ્હી મોકલાશે. માત્ર પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તેવા વોર્ડમાં બે કે ત્રણ નામોની પેનલવાળી યાદી દિલ્હી મોકલવામાં આવશે. આગામી 4 ફેબ્રુઆરીએ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડશે. જ્યારે જે વોર્ડમાં પ્રશ્ન પેચીદો હશે તે વોર્ડમાં છેલ્લી ઘડીએ નામો જાહેર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. અમદાવાદના ભાજપના ઉમેદવાર નક્કી થાય તે પહેલાં મેયરપદ માટે દોડાદોડ શરૂ થઈ છે. શહેરમાં ભાજપ ચૂંટણી જીતશે તેવા આશાવાદ સાથે જ મેયર માટે આનંદીબેન પટેલ અને અમિત શાહ જૂથના ઉમેદવારોના દાવપેચ શરૂ થઈ ગયા છે. જો કે, સીમાંકનને કારણે ટોચના નેતાઓએ પોતાના ચોકઠાં પણ ગોઠવી દીધા છે. માનવામાં આવે છે કે, અડધા અમદાવાદની ટિકિટ અમિત શાહ નક્કી કરી શકે છે. કેટલાક ધારાસભ્ય અને સંસદ સભ્યોએ પોતાના ટેકેદારોના નામ પેનલોમાં મૂકી દીધા છે.