બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 જુલાઈ 2018 (11:57 IST)

શંકર સિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલા બીજેપીમાં જોડાયા

કોંગ્રેસને રામ રામ કરનારા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. વાઘેલનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું કે, મહેન્દ્રસિંહ વાઘેલા શનિવારે રથયાત્રાના દિવસે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ તરફથી આ વાતને સત્તાવાર રીતે સમર્થન નથી અપાયું. રાજ્યસભાની ચૂંટણી સમયે મહેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.
 
ઉલ્લેખનિય છે કે મહેન્દ્રસિંહ વાઘેલા 2012ની વિધાનસભાની ચુંટણીમાં બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચુંટાયા હતા. જાકે રાજ્યસભાની ચુંટણી પહેલા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ બાયડના ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધુ હતું.
 
અષાઢી બીજ અને રથયાત્રાને દિવસે ગુજરાતના રાજકારણમાં સમીકરણ બદલાયા છે. કેટલાય સમયથી મહેન્દ્રસિંહ વાઘેલા ક્યારે ભાજપમાં જોડાશે તે વાતની ચર્ચા જોર થતી હતી, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન ન થતાં મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. હવે ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તે ભાજપમાં જોડાયા છે. ભાજપ સાબરકાંઠાના વર્તમાન સાંસદ દીપસિંહ ચૌહાણની ટિકિટ કાપશે એ નક્કી છે.