શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2017 (12:20 IST)

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ સામે માત્ર 53 ટકા વાવણી થઈ, કપાસ- મગફળીનું વિક્રમી વાવેતર

રાજ્યમાં આ વખતે વહેલો અને સારો પ્રારંભિક વસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના વાવેતરમાં વિક્રમી વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૫૦ ટકાથી વધુ વાવેતર થઇ ચૂક્યું છે. કપાસ મગફળી અને બાજરી તથા ધાન્ય અને તલ જેવા વાવેતર થયા છે. જોકે બિનપિયત એરંડાનું પણ સારા પ્રમાણમાં વાવેતર થયું છે પરંતુ હવે મોટાભાગના વિસ્તારોમાં સિંચાઇની સુવિધા ઊભી થતા આ વખતે પણ પિયત એરંડાનું વાવેતર પણ વિક્રમી રીતે વધશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં તેના કુલ ખરીફ સિઝનનું ૫૦ ટકાથી વધુ વાવેતર કરાયું છે. એમાં પણ ખાસ કરીને મગફળી જેવા મુખ્ય પાકમાં તો ૯૩ ટકા અને કપાસમાં ૭૩ ટકા વાવેતર થયું છે. એવી જ રીતે અન્ય તેલિબિયાંમાં ૬૧ ટકા, કઠોળમાં ૪૫ અને ધાન્ય પાકોમાં ૩૩ ટકા વાવેતર કરાયું છે. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ કુલ ૮૧૦ મીલીમીટર અર્થાત્ ૩૧ ઈંચથી વધુ વરસાદ પડે છે. એ પૈકી અત્યાર સુધીમાં ૨૨૪ મીલીમીટર એટલે કે, ૯ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જે ચોમાસાની સિઝનના કુલ વરસાદના ૨૮ ટકા જેટલો છે એનું પરિણામ એ આવ્યું છે કે, ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ કુલ ૮૫,૭૬૦૦૦ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. ગત ૨૦૧૬ના ૧૦મી, જુલાઈ સુધીમાં ૩૨ લાખ હેક્ટર વાવેતર થયું હતું. જ્યારે આ વખતે ૧૦મી, જુલાઈ ૨૦૧૭ સુધીમાં ૪૫.૭૪ લાખ હેક્ટર જમીનમાં વાવેતર પૂરું થયું છે એટલે કે સિઝનમાં થતાં કુલ વાવેતર-વિસ્તાર પૈકાની ૫૩.૩૩ ટકા વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે, દેશ આખામાં ગુજરાતનું મોટું યોગદાન મગફળી અને કપાસના પાકમાં રહે છે. રાજ્યમાં કુલ ૧૩.૮૭ લાખ હેક્ટરમાં મગફળી અને ૨૭.૨૫ લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થાય છે. આ વખતે અત્યાર સુધીમાં ૧૨.૮૭ લાખ હેક્ટરમાં અર્થાત્ ૯૩ ટકા વિસ્તારમાં મગફળી અને ૧.૯૦ લાખ હેક્ટર એટલે કે ૭૩ ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે. રાજ્યમાં ધાન્ય પાકોનું વાવેતર સરેરાશ કુલ ૧૩.૩૩ લાખ હેક્ટરમાં થાય છે. તેમાંથી અત્યાર સુધીમાં ૪.૪૧ ટકા એટલે કે ૩૩.૧૧ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એવી જ રીતે કઠોળનું વાવેતર કુલ સરેરાશ ૫.૨૧ લાખ હેક્ટરમાં થાય છે. તેમાંથી અત્યારે ૨.૩૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેલિબિયાંનું વાવેતર કુલ સરેરાશ ૨૩.૩૫ લાખ હેક્ટરમાં કરાય છે. એમાંથી અત્યાર સુધીમાં ૧૪.૨૮ ટકા હેક્ટર જમીનમાં વાવેતર થયું છે.