રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 માર્ચ 2018 (10:20 IST)

સુરક્ષાના નામે સરકારનો નિર્ણય, અમરનાથ યાત્રાએ જવા ફરજિયાત પહેરવું પડશે બુલેટપૃફ જેકેટ

બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ યાત્રા પર જવા શ્રદ્ધાળુઓએ હવે બુલેટ પ્રુફ જેકેટ પહેરવા પડશે. શ્રદ્ધાળુઓએ બુલેટ પ્રુફ ખરીદવું પડશે અથવા તેના માટે ભાડું ચૂકવવુ પડશે. હાલ રાજ્ય સરકારે દિશા-નિર્દેશ પાઠવતા અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે બુલેટ પ્રુફ પહેરવું અનિવાર્ય કરી દીધુ છે. પૂર્વોત્તરમાં થતી હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

આ સાથે દિશા-નિર્દેશમાં નક્કી કરાયું છે કે ડ્રાઈવરની ઉંમર ન્યૂનત્તમ 50 વર્ષ હોવી જોઇએ. મહત્વનું છે કે, કેટલાંક મહિના પહેલા જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગુજરાતીઓ પણ હતાં. શ્રદ્ધાળુઓને બુલેટપ્રુફ જેકેટ પૂરા પાડવાનો રાજ્ય સરકારે નિર્દેશ આપ્યો છે. જોકે, આ અંગે બસ ઓપરેટરોનું કહેવું છે કે જેકેટ ખરીદવાથી શ્રદ્ધાળુઓએ વધારે બોજનો સામનો કરવો પડશે.  એક ટૂર ઓપરેટરે જણાવ્યું, જો અમે સરકારના આ આદેશનું અમલીકરણ નહીં કરીએ તો રાજ્ય સરકાર અમને યાત્રા પર જવા પરવાનગી આપશે નહીં. આ સંદર્ભે લેખિત કાર્યવાહી અમારા માટે મોટી સમસ્યા છે. વડોદરા ટૂર એન્ડ ટ્રાવેલ એસોશિએશનના ઉપાધ્યક્ષે કહ્યું, અમે બુલેટપ્રુફ જેકેટનો ખર્ચ ઉઠાવી શકીશું નહીં. તેથી જેકેટ ખરીદવા માટે અમારે શ્રદ્ધાળુઓને જણાવવું પડશે. આ જેકેટની કિંમત અંદાજે 12,000 હજાર રૂપિયા છે. મહત્વનું છે કે, બાબા બર્ફાનીના દર્શન માટે ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે 5 થી 7 હજાર શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવે છે.

વળી, રજીસ્ટ્રેશન વિના રાજ્યમાંથી જનારા લોકોની સંખ્યા 35 હજાર આંકવામાં આવી છે. સામાન્ય રીતે ટુર ઓપરેટર્સ યાત્રાળુઓ પાસેથી રૂ. 10,000 વસૂલે છે.અખિલ ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર્સ ફેડરેશનના અધ્યક્ષનું કહેવું છે, અમે કેવીરીતે બુલેટ પ્રુફ જેકેટની ખરીદી કરીએ, જે સામાન્ય નાગરિકોને સહેલાઇથી મળતા નથી. ખાનગી ટેક્સીઓ, ટ્રેન અને હવાઈ મુસાફરી માટે જનારા યાત્રાળુઓ પર આ નિયમ લાગુ થતો નથી. અમે તૈયાર છીએ. પરંતુ સરકારે આ અંગે થોડું વિચારવું જોઇએ. અમરનાથ યાત્રા પર જવા દેશના તમામ રાજ્યોમાંથી અત્યાર સુધી 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બાબા બર્ફાનીની પવિત્ર ગુફાના દર્શન માટે શરૂ થનારી યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે અને 28 ઓગષ્ટે સમાપન થશે.