અમદાવાદમાં બુટલેગરોની ગેરકાયદે મિલકતો પર AMCએ ફેરવ્યું બુલડોઝર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે શહેરમાં બેફામ બનેલા બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે શુક્રવારે એએમસીએ દારૂના ધંધામાંથી ગેરકાયદે રીતે ઉભી કરેલી બુટલેગરોની મિલકતો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત રીતે આ ઓપરેશન શરૂ કર્યું છે. આજે સવારથી જ કોર્પોરેશનના કર્મચારીઓએ પોલીસને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરી હતી.
પોલીસે ભુરિયો અને સુનિતા નામના બુટલેગરોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટનાસ્થળે 1 ડીએસપી, 2 એસપી, 200 જેટલા પોલીસકર્મી અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન લોકોએ વિરોધ કરતા લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.દબાણ હટાવવાની આ કાર્યવાહીમાં કોર્પોરેશનના 100 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. સેક્ટર-2ના જેસીપી દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કરવામાં આવી રહેલા કાર્યવાહીના ભાગરૂપે સૌપ્રથમ અનિલ અને સુનિતા નામના બુટલેગરોની કુબેરનગર ખાતે આવેલી બે બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજ સુધી બંને બિલ્ડિંગોને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવશે. આ બંને મિલકતોને તોડી પાડવા માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે નોટિસ મોકલવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બંને બિલ્ડિંગોનું બાંધકામ બિયર બાર હોય તેવી રીતે કરવામાં આવ્યું હતું.