રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2023 (16:49 IST)

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો, ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે SITની રચના કરવા માગ

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો- NSUIના કાર્યકરોએ કુલપતિ ચેમ્બરમાં જઈને કુલપતિ પાસે કાર્યવાહી ન કરવા માટેના કારણ માગ્યા
 
અમદાવાદઃ તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીમાંથી Bsc નર્સિંગની 28 ઉત્તરવહીઓ ગાયબ થવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજે NSUI એ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસમાં જઈને સુત્રોચ્ચાર કરીને ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે જવાબદાર પરીક્ષા નિયામકને સસ્પેન્ડ કરવા ઉપરાંત તપાસ કરવા માટે SIT રચવા માગણી કરી છે.
 
કુલપતિ અને પરીક્ષા નિયામક વિરુદ્ધ સુત્રોચ્ચાર
ઉત્તરવહી ગાયબ થવા મામલે NSUIએ જ ખુલાસો કર્યો હતો. આ મામલે 48 કલાક બાદ પણ યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજે NSUIના કાર્યકરો યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાએથી રેલી કાઢીને ભેગા થયા હતા. કુલપતિ અને પરીક્ષા નિયામક વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને NSUIના 200થી વધુ  કાર્યકરો કુલપતિ વિરોધી સૂત્રોચ્ચાર કરતા કુલપતિ ઓફિસ પહોંચ્યા હતા. NSUIના કાર્યકરોએ કુલપતિ ચેમ્બરમાં જઈને કુલપતિ પાસે કાર્યવાહી ન કરવા માટેના કારણ માગ્યા હતા. 
 
50 હજાર રૂપિયામાં પેપર લખાવવામાં આવતા હતા
કુલપતિએ સમગ્ર મામલે પોલીસ તપાસનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે, NSUIએ કડક શબ્દોમાં કુલપતિને આ મામલે જવાબદાર પરીક્ષા નિયામક તથા વિભાગના કોર્ડિનેટર સામે યુનિવર્સિટી કક્ષાએ કાર્યવાહી કરવા માગ કરી હતી. NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, પેરામેડિકલમાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાડ ચાલી રહ્યું છે. નર્સિંગના વિદ્યાર્થીઓને પણ 50 હજાર રૂપિયામાં પેપર લખાવવામાં આવતા હતા. આ કૌભાંડ યુનિવર્સિટીના ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.