મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (18:58 IST)

અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરીમાં ગુજરાતને પાંચ એવોર્ડ એનાયત કરાયા, સિવિલ હોસ્પિટલને ત્રણ એવોર્ડ મળ્યા

organ donation day
organ donation day
રાજ્યમાં કુલ રીટ્રાઇવલના 42% સરકારી સંસ્થામાં અને 68 % ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે
 
અમદાવાદ સિવિલમાં અઢી વર્ષમાં 123 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 397 અંગો રીટ્રાઇવ કરીને 377 વ્યક્તિઓને નવજીવન મળ્યું
 
અમદાવાદઃ ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં થઇ રહેલ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરીનું આજે રાષ્ટ્ર સ્તરે બહુમાન થયું છે. 13 મા રાષ્ટ્રીય અંગદાન દિવસ 3 જી ઓગષ્ટે નવી દિલ્હી ખાતે NOTTO (National Organ and Tissue Transplant Organisation) દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે ગુજરાતને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. 
 
સિવિલ હોસ્પિટલને ત્રણ એવોર્ડ મળ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ અને ગુજરાતના SOTTO એકમ અને અંગદાનની જાગૃકતા સાથે સંકળાયેલ અંગદાન ચેરિટેબલ સંસ્થાને ઇમર્જીંગ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રીટ્રાઇવલ સેન્ટર, બ્રેઇનડેડ કમીટી માટે તેમજ સિવિલ હોસ્પિટલના જ આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર માટે એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં 123 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 397 અંગો સફળતાપૂર્ણ રીટ્રાઇવ કરીને 377 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે. 
 
2019 માં SOTTOની સ્થાપના કરવામાં આવી
બ્રેઇનડેડ વ્યક્તિના પરિવારજનો, સ્વજનોને અંગદાન માટે સમજાવવા તેમની સંમતિ લેવા માટે કાઉન્સેલીંગની અહમ ભૂમિકા હોય છે. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીએ આ ભૂમિકા ખૂબ જ બખૂબી નિભાવી છે. જેના પરિણામે દેશની અંગદાન ક્ષેત્રના મહત્વના એકમ NOTTO દ્વારા બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર તરીકે તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. વર્ષ 2019 માં રાજ્યમાં SOTTO ની સ્થાપના કરવામાં આવી છે. સોટ્ટોની સ્થાપના બાદ કોરોનાકાળના બે વર્ષની વિષમ પરિસ્થિતીઓ વચ્ચે SOTTOના કન્વીર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 3673 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું 
હાલ રાજ્યમાં કુલ રીટ્રાઇવલના 42% સરકારી સંસ્થામાં અને 68 % ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે. SOTTO દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી બદલ બેસ્ટ ઇમર્જીગ સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન  તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. રાજ્યમાં અંગદાનની જનજાગૃતિને રાજ્યવ્યાપી બનાવવા અને રાજ્યમાં ગ્રામ્ય સ્તર સુધી સેવાકીય પ્રવૃતિઓ દ્વારા અંગદાનની મુહિમને જન આંદોલનમાં પરિણમવા મહત્વની ભૂમિકા અદા કરનાર દિલિપ દેશમુખ(દાદા)ની સંસ્થા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનું બેસ્ટ ઇમર્જીંગ NGO કેટેગરીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.