1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (14:24 IST)

દોઢ વર્ષથી બંધ શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવાનો પટેલ સરકારનો નિર્ણય, રૂ.10માં શ્રમિકોને ભોજન

રાજ્યના શ્રમિકો માટે એક સારા સમાચાર છે. 10 રૂપિયામાં શ્રમિકોને ભોજન કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરાઈ રહી છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિકોના હિત માટે સંવેદનશીલ નિર્ણય લેતા આ યોજના એક મહિનામાં ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શ્રમિકોને ફરીથી રાહત દરે ભરપેટ ભોજન મળી રહેશે. ગુજરાત સરકારે તારીખ 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. જોકે કોરોનાની મહામારીના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ હતી. જોકે રાજ્યમાં કોરોનાની બીજી વેવ બાદ કેસોમાં ઝડપી ઘટાડા બાદ સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટરો શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું હતું. જેમાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં આપવામાં આવતાં. શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારે 7થી 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ કરવામાં આવતું હતું.