બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (16:48 IST)

સી.આર.પાટીલ તેમના નિવેદન પર અટલ હોય તો તેમણે કૉંગ્રેસના પક્ષપલટુઓને ટિકિટ ન આપવી જોઈએ: હાર્દિક પટેલ

પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 76મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ રાજીવગાંધી ભવન ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.આ મામલે પ્રતિક્રિયા આપતા ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "હાલ ભાજપ પાસે નેતાઓની અછત છે. સી.આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસમાં ઉત્સાહમાં આવીને નિવેદનો આપી રહ્યા છે. હાલ બીજેપી સરકારમાં 60 ટકા મંત્રીઓ મૂળ કૉંગ્રેસી છે. પાટીલ કાર્યકરોને સાચવવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. તેઓ નવાં નવાં આવ્યા છે એટલે ઉત્સાહમાં આવી ગયા છે. જો એવું જ હોય તો ગુજરાતની આગામી પેટા-ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા એક પણ નેતાને ટિકિટ ન આપવી જોઈએ."કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં નૉ એન્ટ્રી મામલે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "સી.આર. પાટીલની પાર્ટીમાં હાલ અસંતોષ જોવા મળી રહ્યો છે. તેઓ એવું સાબિત કરી રહ્યા છે કે પાર્ટીએ કરેલા કામ ખોટા છે. ભાજપની તાકાત નથી કે તે પોતાના બળે ચૂંટણી જીતી શકે. જો તેઓ પોતાની વાત કાયમ રાખવા માંગતા હોય તો કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને ટિકિટ ન આપવી જોઇએ. તેઓ પોતાના લોકોને ટિકિટ આપીને ચૂંટણી જીતી બતાવે."સી.આર. પાટીલે જૂનાગઢ ખાતે બીજેપીના કાર્યકરોને સંબોધન કરતા ભાજપને હવે કૉંગ્રેસના નેતાઓની જરૂર નથી તેવું નિવેદન આપ્યું હતું. પાટીલે જણાવ્યું હતું કે, "ઘણાન બીજેપી કાર્યકરોને એવું લાગે છે કે કૉંગ્રેસમાંથી નેતાઓ શા માટે લાવ્યા? ખરેખર તો તમને એવું કહેવાનો અધિકાર જ નથી. એવી પરિસ્થિતિ નિર્માણ કરી હશે એટલે પાર્ટીએ આવું કરવું પડ્યું હશે. પરંતુ હવે કોઈને લાવવાની જરૂર નહીં પડે. જે આવી ગયા છે નસીબદાર છે. આ નસીબદાર લોકોમાં જવાહર ચાવડા પણ સામેલ છે. આજે હું જવાહરભાઈને પ્રથમવાર મળ્યો. મને લાગે છે કે આપણી પાર્ટીમાં એવા લોકો જોડાયા છે જેમને ખરેખર લોકોના કામ કરવામાં રસ છે. કૉંગ્રેસ હવે રહી જ નથી. તમારા ગામાંથી એક એવા વ્યક્તિને શોધીને લાવો જે કહે કે હું કૉંગ્રેસી છું, તો હું રાજીનામું ધરી દઉં."